જામનગર
ખંભાળિયામાં રહેતી બે સગીરાઓ પર એક યુવાન વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારવા બાબતે ખંભાળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ શખ્સને મદદગારી કરવા અન્ય બે શખ્સો સામે પણ ગુનો નોંધાયો છે. ખંભાળિયામાં રહેતી ૧૬ વર્ષની સગીરાને અહીંના નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ નામના શખ્સે લલચાવી-ફોસલાવી, તેણી સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં નિકેશ પ્રજાપતિ દ્વારા તેણીની સાથે અવારનવાર જુદા-જુદા સ્થળોએ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો. ઉપરાંત મળવા બોલાવી તેણીની નાની બહેન સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધતાં યુવક સહિત તેને મદદ કરનારા બે શખ્સો સામે પણ ગુનો નોંધાયો છે. ગત જાન્યુઆરી માસથી શરૂ થયેલા આ પ્રકરણમાં ગત તારીખ ૨૭ ફેબ્રુઆરીના રોજ નિકેશે સગીરાને એક સ્થળે બોલાવી તેણીનો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરવાનું કહ્યું હતું. આથી ઉપરોક્ત સગીરા તેણીની ચૌદ વર્ષની નાની બહેનને સાથે લઈને ચોક્કસ સ્થળે રૂમ પર ગઈ હતી. અહીં આરોપી નિકેશે સગીરાની નાની બહેનને રૂમમાં એકલી બોલાવતા મોટી બહેને નાની બહેનને નિકેશ સાથે એકલા રૂમમાં જવાની ના કહી દીધી હતી. આથી અહીં રહેલા આશિષ કારૂભાઈ આહીર અને મહેશ ચાવડા નામના બે શખ્સોએ મોટી બહેનના દુપટ્ટા વડે હાથ-પગ બાંધી દીધા હતા અને આરોપી આશિષ કારુભાઈ આહિરે છરી બતાવી અને જાે તેણી રાડા-રાડી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી નિકેશ પ્રજાપતિએ મોટી બહેનને બાંધી રાખી, નાની બહેન સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાનં જાહેર થયું છે. બે સગીર બાળા ઉપર દુષ્કર્મ ગુજારવા બાબતે સગીરાના પિતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મુખ્ય આરોપી એવા નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ સાથે મદદગારી કરનારા આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા સામે આઈ.પી.સી. કલમ ૩૫૪ (એ)(૨), ૩૪૨, ૩૭૬, ૩૭૬(૨)(એન), ૩૭૬(૩), ૫૦૬(૨), ૧૧૪ તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


