ભરૂચ: ગુજરાતમાં ખાડાઓનાં કારણે અનેક લોકોનાં જીવ ગયા છે. પરંતુ એવા પણ કેટલાય બનાવો છે જેમાં લોકોનાં જીવ તો નથી ગયા પરંતુ આજીવન તકલીફ ઉભી થઈ ગઈ છે. ભરૂચમાં પણ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ખાડામાં બાઈક પડતાં મહિનાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે. સારવાર માટે જતાં ડોક્ટરે બ્રેઈન હેમરેજ થયુ હોવાનું જણાવ્યુ છે. આ અંગે આપ પ્રમુખને જાણ થતા તેઓ પોતાની ટીમ સાથે દર્દીની ખબર અંતર પુછવા ગયા હતાં. જ્યાં દર્દીને વધુ સારવાર આપવાની જણાતા આપ પ્રમુખે દર્દીને સુરત ખાતે ખસેડ્યા છે.
બનાવની મળતી વિગતો અનુસાર, ભરૂચ જિલ્લામાં ખાડાઓનું સામ્રાજ્ય હોવા છતાં તંત્ર ખાડા પૂરી શક્યુ નથી. સરકાર ચૂંટણી જીતવા માટે મહેનત કરી રહી છે પણ ખાડા પ્રત્યે દુર્લક્ષતા સેવી રહી છે. જેના કારણે આ ખતરનાક ખાડા ક્યાં તો કોઈકનો જીવ લે છે ક્યાં તો કોઈકને જીવન ભરની પીડાને હવાલે કરી દે છે. ઝાડેશ્વરની સાંઈવાડી સોસાયટીમાં રહેતા 38 વર્ષિય પૂરીબેન કિરણભાઈ પરમાર ઓસારા મહાકાળી મંદિરે તેમના પતિ સાથે દર્શન કરવા ગયા હતાં. દરમિયાન ખુબ જ બિસ્માર ઓસારા રોડ પર તેમની બાઈક ખાડામાં પડતાં તેઓ ઉછળીને રોડ પર પટકાયા હતાં. તેમને માથા અને કાનમાંથી લોહીની ધાર વહેવા લાગતાં તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ડોકટરે તપાસ કરતાં પૂરીબેનને બ્રેઈન હેમરેજ થઈ ગયુ હોવાનું સામે આવ્યુ હતું. આ સાંભળી પૂરીબેનના પરિવાર પર જાણે કે મોટુ સંકટ આવી પડ્યુ હતું.
ઘટનાની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉર્મિબેન પટેલને થઈ હતી, જેથી તેઓ તેમના ટીમના તેજસભાઈ પટેલ અને પિયુષ પટેલ સાથે પૂરીબેનનાં ખબર અંતર પૂછવા ગયા હતા. પૂરીબેનના પતિ કડિયા કામ કરે છે અને તેમની સ્થિતિ ખુબ જ ગરીબ છે તેવું જાણવા મળતા આપ પ્રમુખ ઉર્મિબેને માનવતા દાખવી તેમને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં મોકલી તેમને યોગ્ય અને ઝડપી સારવાર મળે તેવી તકેદારી દાખવી હતી. ઉર્મિબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, તંત્રને માટે માણસની જીદંગીની કોઈ મહત્વ નથી લાગતું. ખાડાઓ હજુ કેટલા લોકોનું જીવન બરબાદ કરશે તેનો જવાબ તંત્રએ આપવો જોઈએ. જીલ્લાનો એક પણ રસ્તો એવો નથી જ્યાં ખાડા ન હોય. તંત્ર વહેલી તકે આ બાબતને ગંભીરતાથી લઈ ખાડાઓ પુરી રસ્તાઓનું રિપેરિંગ કરે તેવી આમ આદમી પાર્ટીની અપીલ છે. બાકી ભવિષ્યમાં લોકો આવા ખાડાઓના કારણે પોતાના સ્વજનો ગુમાવતાં રહેશે અને તે ખુબ જ દુ:ખદ બાબત કહેવાશે.
