Gujarat

ગાંધીનગરમાં નકલી આધાર-ચુંટણી કાર્ડથી બેંક એકાઉન્ટ ખોલવાનું ષડયંત્ર સામે આવ્યું

ગાંધીનગર
ગાંધીનગર કુડાસણનાં કપૂરીવાસમાં રહેતા ગાભાજી ગલાજી ઠાકોરની કુડાસણમાં પિતરાઈ ભાઈઓ સાથેની સહિયારી ચાર વીઘા જમીન આવેલી છે. ચારેક વર્ષ અગાઉ ગાભાજીએ કુડાસણનાં શુકન સિલ્વરમાં આવેલી કડી નાગરિક બેંકમાંથી પાંચ લાખની કાર લોન લીધી છે. જેનાં કારણે બેંકના કર્મચારીઓ તેમને સારી રીતે ઓળખે છે. ગાભાજી ખેતરમાં હતા તે વખતે બેંકના કર્મચારીઓ ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા નામની બીજી કોઈ વ્યક્તિ કુડાસણ ગામમાં રહે છે. જેની ના પાડતા બેંકના કર્મચારીએ તેમને તાત્કાલિક બેંક પર બોલાવી લીધા હતા. બેંકમાં પહોંચતા ગાભાજીને માલુમ પડયું હતું કે તેમના આધાર કાર્ડમાં ફોટો અને સહી ત્રાહિત વ્યક્તિનો હતો. જેનાં થકી કોઈ ઈસમે બેંકમાં એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી. આથી બેંકના કર્મચારીએ એકાઉન્ટ ખોલાવા માટે વારંવાર ફોન કરનાર ઈસમને બેંક પર બોલાવી પોલીસને પણ જાણ કરી દીધી હતી. જેનાં પગલે ઈન્ફોસિટી પોલીસે ઈસમની કડકાઈથી પૂછતાંછ હાથ ધરતા તેણે પોતાનું નામ દીપેશ સુરેશભાઈ પટેલ (રહે. ૯,રત્નદીપ બંગલો, થલતેજ) હોવાનું કહી કબૂલાત કરી હતી કે, મૂળ ઉવારસદનો હાલમાં અડાલજ દેવાનંદન સોસાયટીમાં રહેતો હર્ષદ ઉર્ફે લાલભાઈ પારેખનાં કહેવાથી આમિર રામસિંહ ચાવડા બાઈક પર અહીં મોકલી આપેલ છે. ઉપરાંત રણછોડ પ્રહલાદ પ્રજાપતિ (૭/૧૮૧,પંચાયત સામે અડાલજ) પણ સંડોવાયેલ છે. જેનાં માટે ૧૫૦૦ રૂપિયા હર્ષદનાં કહેવાથી આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત ચારેય ઈસમોએ ખેડૂત ગાભાજી ઠાકોરનાં નામે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સરકારની સંબંધિત વેબ સાઈટ પરથી ડાઉનલોડ કરી તેના આધારે ખોટા પુરાવા ઊભા કરી સરકાર સાથે પણ વિશ્વાસઘાત કરાયો હતો. અને આધાર કાર્ડ – ચૂંટણી કાર્ડના ખોટા પુરાવા રજૂ કરી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હોવાની ફરિયાદ ગાભાજી ઠાકોરે આપતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના કુડાસણમાં રહેતાં ખેડૂતની જાણ બહાર સરકારનાં સંબંધિત વિભાગમાંથી ઓરિજિનલ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ઈસ્યુ કરાવી તેની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. ત્યારે ખેડૂત ઓરિજિનલ આધાર અને ચૂંટણી કાર્ડમાં ફોટા અને સહીઓ ખોટી હોવાનું બેંકના ધ્યાને આવતાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થવા પામ્યો છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *