પીજીવીસીએલ દ્વારા રૂ. ૩૮ લાખથી વધુના ખર્ચે ૬ તાલુકામાં ૧૦૯૮ નિ:શુલ્ક વીજ કનેક્શન આપવાની કામગીરી પુર્ણ કરાઇ
ગિરગઢડા
ભરત ગંગદેવ
રાજ્ય સરકાર દ્વારા લોકોને તમામ પાયાની સુવિધાઓ મળે તે માટે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ થકી છેવાડાના લોકોને લાભ થઇ રહ્યા છે. પીજીવીસીએલની ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતર્ગત રાજ્યના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ કુટુંબો માટે સીંગલ પોઇન્ટ પર વપરાશના વીજજોડાણ વિનામૂલ્યે આપવાના હેતુસર ઝૂંપડા વીજળીકરણ યોજના અમલી બનાવવામાં આવી છે. પીજીવીસીએલ વિભાગીય કચેરી વેરાવળ અને ઉના વિભાગીય કચેરી નીચે આવતા જિલ્લાના ૬ તાલુકાના ગ્રામ્ય/શહેરમા ૧૦૯૮ કુટુંબોને રૂ. ૩૮ લાખથી વધુના ખર્ચે નિ:શુલ્ક વીજ કનેક્શનની કામગીરી પુર્ણ કરવામા આવી છે.
આ ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ પીજીવીસીએલ ઉના વિભાગીય કચેરી દ્વારા ગીરગઢડા, કોડીનાર અને ઉના તાલુકામા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં ૨૦૨૧-૨૨ વર્ષ દરમિયાન રૂ. ૨૨ લાખથી વધુના ખર્ચે કુલ ૬૩૮ નવા કનેક્શન આપવામાં આવ્યા છે. જેમાં વિવિધ તાલુકાઓ જેમ કે, ગીરગઢડામાં ૯૬, કોડીનારમા ૨૯૮, ઉનામાં ૨૪૪ વીજ કનેક્શન આપવામાં આવેલ છે. પીજીવીસીએલ વેરાવળ વિભાગીય કચેરી દ્વારા સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ તાલુકામા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં ૨૦૨૧-૨૨ વર્ષ દરમિયાન રૂ. ૧૬ લાખથી વધુના ખર્ચે કુલ ૪૬૦ નવા કનેક્શન આપવામાં આવ્યા છે. જેમાં વિવિધ તાલુકાઓ જેમ કે, સુત્રાપાડામાં ૨૭૧, તાલાલામાં ૧૫૬, વેરાવળમાં ૩૩ વીજ કનેક્શન આપવામાં આવેલ છે.
આ યોજનાનો લાભ રાજ્યના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બીપીએલ લાભાર્થીઓ ઉપરાંત અન્ય ગરીબ કુટુંબો કે જેમની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧.૨ લાખ તથા શહેરી વિસ્તાર માટે રૂ ૧.૫ લાખથી વધુ ન હોય તેવા તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં સિંગલ ફેઈઝ વીજજોડાણ વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારબાદ વપરાશ મુજબ નિયત ટેરીફનું વીજબીલ જ ભરપાઇ કરવાનું રહે છે. તેમ પીજીવીસીએલની યાદીમાં જણાવાયું છે.
