પાટણ
ચાણસ્માના એક હત્યાકેસના કાચા કામના કેદીએ પોતાની પત્નીના ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવાનું હોવાનું કારણ આગળ ધરીને એક મહિના માટે વચગાળાનાં જામીન પર મુક્ત કરવાની અરજી કરી હતી. પાટણ સેશન્સ જજ ડી.એ. હિંગુએ આરોપીને તા. ૩૦ માર્ચ, ૨૦૨૨થી ૧૩ એપ્રિલ, ૨૦૨૨ સુધીના સમયગાળા માટે રૂા. ૧૫ હજારના વચગાળાના જામીન ઉપર મુક્ત કરવાની શરતોનું પાલન કરવાની શરતે આદેશ કર્યો હતો. આરોપી સંજય ઓધારભાઇએ પોતાના એડવોકેટ એન આર પરમાર મારફતે પોતાની પત્નીનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન ૪ એપ્રિલ, ૨૦૨૨ના રોજ પાટણની ખાનગી હોસ્પિટલમાં કરવાનું હોવાથી તેની સારસંભાળ માટે પોતાની હાજરીની જરૂર છે તથા તેના બે બાળકો અને માતા-પિતા વૃદ્ધ હોવાથી તેને વચગાળાનાં જામીન પર મુક્ત કરવા વિનંતી કરી હતી. પાટણના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ડી.એ. હિંગુએ બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. તેમજ પોતાના હુકમમાં જણાવ્યું હતું કે, આરોપીને અગાઉ હાઇકોર્ટે વચગાળાનાં જામીન ઉપર મુક્ત કર્યો હતો. જે જામીન પુરા થતાં તે જેલમાં પરત આવ્યો હતો. તેણે કોઇ સુલેહ શાંતિનો ભંગ કરેલો નથી, તેથી તેને તેની પત્નીના ઓપરેશન માટે વચગાળાના જામીન પર મુક્ત કરવો જાેઇએ એવો ર્નિણય કોર્ટ દ્વારા લેવાયો હતો. આરોપી સામે તા. ૩ એપ્રિલ, ૨૦૨૦ના રોજ નવીન નામના એક વ્યક્તિની સાથે માથાકૂટ કરીને મારામારી કરીને તા. ૧૮, એપ્રિલ, ૨૦૨૦ના રોજ નવીન ઉપર ગુપ્તીથી હુમલો કરીને તેને છાતી અને ગળામાં જીવલેણ ઘા કરી હત્યા કરી હોવાનો આક્ષેપ હોવાથી તેની ધરપકડ કરાઈ હતી. જે હાલમાં જેલમાં છે.
