અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવેશ એન ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ અધિકારની રૂએ જામનગર શહેર વિસ્તારમાં તથા જીલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ પેટ્રોલ પમ્પ, ટોલ પ્લાઝા, તમામ બેન્કો, એ.ટી.એમ. સેન્ટરો, માન્યતા ધરાવતા ખાનગી ફાયનાન્સરો, શ્રોફ, સોના-ચાંદી તથા કિંમતી ઝવેરાતના શો-રૂમ, લાયસન્સવાળી નિવાસી હોટલો, ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થિયેટર, જીનીંગ મીલ, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ કોલેજો, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ તથા શોપીંગ મોલના અન્ડર ગ્રાઉન્ડ પાર્કીંગ જેવા તમામ સ્થળોએ નાઇટ વિઝન તથા હાઇ ડેફીનેશનવાળા રેકોર્ડીંગ સીસ્ટમ સાથેના સી.સી.ટી.વી. કેમેરાઓ મુકવા જાહેરનામુ ફરમાવેલ છે.
ઉપરોક્ત જણાવેલ તમામ એકમોએ અગાઉના આવા જ પ્રકારના જાહેરનામા અન્વયે સી.સી.ટી.વી. કેમેરાઓ મુકેલા હોય તે ચાલુ હાલતમાં રહે તે જોવાનુ રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો/વ્યવસાય શરૂ કરવાનો રહેશે, ઉપરોક્ત સ્થળોએ જ્યાં લોકો/વાહનોનો પ્રવેશ હોય ત્યાં તેમજ અંદરના ભાગે તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જના(માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાચી શકાય તેવા) સી.સી.ટી.વી. કેમેરાઓ ગોઠવવાના રહેશે, જે ગ્રાન્ટેડ કોલેજોએ હાયર ઓથોરીટીની મંજુરી મેળવવાની થતી હોય તે કોલેજોએ મંજુરી મેળવવાની કામગીરી એક માસમાં પૂર્ણ કરી લેવાની રહેશે તેમજ મંજુરી મેળવવા માટે કરેલ કાર્યવાહીની લેખીત જાણ પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે, સી.સી.ટી.વી. કેમેરાઓના રેકોર્ડીંગ સતત ૨૪ કલાક ચાલુ રાખવાના રહેશે અને તેનો ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી જાળવી રાખવાનો રહેશે, સી.સી.ટી.વી. કેમેરાઓના રોકોર્ડીંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને માંગણી થયે જોવા દેવાના રહેશે. આ હુકમ તા.૨૪-૨-૨૦૨૩ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાના હુકમનુ ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦(૪૫માં અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
