Gujarat

જામનગરના હાપા, જોડિયા અને ધ્રોલ એ.પી.એમ.સી. ખાતે ટેકાના ભાવના ચણા ખરીદ કેન્દ્રોની મુલાકાત લેતા રાઘવજીભાઈ પટેલ

મંત્રીશ્રીના હસ્તે બેડ ગામના અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતના વારસદારને વીમા યોજનાનો ચેક અર્પણ કરાયો

જામનગર તા. ૦૧ એપ્રિલ, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે જામનગરના હાપા, જોડિયા અને ધ્રોલ એ.પી.એમ.સી ખાતે ચણાના ખરીદ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ જોડિયા, ધ્રોલ અને હાપા ખાતે માર્કેટિંગ યાર્ડ પર ટેકાના ભાવે ચણા આપવા આવતા લાભાર્થી ખેડૂત ખાતેદારો સાથે મુલાકાત કરી હતી તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની ટેકાના ભાવે થતી ખરીદી નિહાળી  ત્યાંના આગેવાનો અને કાર્યકરો સાથે વાતચીત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આ વર્ષે ૧૮૨૨ ખેડૂતો દ્વારા ૭૫૫૨૬ ગુણી અને ૩૭૭૬.૩૦૦ મેટ્રિક ટન ચણાનું વેચાણ કરવામાં આવ્યું છે.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ જામનગર(હાપા) ખાતે બેડ ગામના અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂત નરોત્તમભાઈ વિરજીભાઈ સુનાગરાના વારસદાર હિરૂબેન નરોત્તમભાઈ સુનાગરાને વિમાની રકમનો ચેક અર્પણ કર્યો હતો. જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈ ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થાય તો તેમના વારસદારને અકસ્માત વીમા યોજના હેઠળ સહાય આપવામાં આવે છે.

આ તકે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધિરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દેવકરણભાઈ, જામનગર માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર પ્રવિણસિંહ ઝાલા, જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન, સેક્રેટરી, સહકારી મંડળીના પ્રમુખ, આગેવાનો, ખેડૂતો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *