જૂલાઇ – જૂનાગઢ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’નો કાર્યક્રમમાં વધુને વધુ લોકો પોતાના ઘરોમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવે તેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી રચિત રાજના અધ્યક્ષસ્થાને એક મિટિંગ સબંધિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાઈ હતી.
જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ના વિવિધ કાર્યક્રમો યોજાશે. “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની જનતા જોડાઇને પોતાના ઘરોમાં રાષ્ટ્રનો તિરંગો લહેરાવે તેવું આહવાન કલેકટરશ્રી રચિત રાજે કર્યુ છે.
જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો ઘરો, દુકાનો, ઉદ્યોગ ગૃહો આ કાર્યક્રમમાં સામેલ થઇને રાષ્ટ્રધ્વજ લહેરાવી તેવો અનુરોધ પણ કલેકટરશ્રીએ કર્યો છે. રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે સુવ્યવસ્થિત કેન્દ્રો નકકી કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવાનો આદેશ પણ કલેકટરશ્રીએ કર્યો હતો.
“હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે પોલીસ અધિક્ષકશ્રી દ્વારા તા.૧૩ ઓગષ્ટના ‘‘સ્પેશિયલ ત્રિરંગા માર્ચ”નું આયોજન કરાયુ છે. તેમજ તા.૧૪ ઓગષ્ટના આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્રિરંગા યાત્રા, રેલીના કાર્યક્રમો યોજાશે. તા.૧૫ ઓગષ્ટના સ્વતંત્રતા દિને દેશભકિત-સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સરકારી કચેરીઓ ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવશે.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે જૂનાગઢ જિલ્લામાં મહાનગરપાલિકા કક્ષાની, જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અને નગરપાલિકા કક્ષાની અધિકારીશ્રીઓની સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમજ સબંધિત અધિકારીઓશ્રીઓને વિવિધ કામગીરીઓ સોંપવામાં આવી છે. તમામ કચેરીઓના પત્ર વ્યવહારમાં ‘હર ઘર તિરંગા’ના લોગોનો ઉપયોગ કરવા પણ જણાવાયુ હતું.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટરશ્રી એલ.બી.બાંભણીયાએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરિખ, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી રવિ તેજા ભટ્ટી, ડીસીએફશ્રી, પ્રાંત અધિકારશ્રીઓ સહિતના તમામ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
