ગીર સોમનાથ
તાલાલા ગીર પંથકમાં કુલ ૧૩,૪૪૫ હેક્ટર ખેતીની જમીનમાંથી ૬૫૦૫ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. આ વાવેતર પંથકના ૪૫ ગામોના ખેડૂતો દ્વારા કરવામાં આવેલું હોવાથી મગફળી ઉત્પાદક કિસાનોને રૂ.૬૭ કરોડની ઉપજ થવાનો અંદાજ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત તાલાલા ગીર પંથકમાં ૫૩૦૦ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયેલ હોઈ જેનો પાક પણ આગામી દિવસોમાં બજારમાં આવવાની ધારણાં વ્યક્ત કરવામાં આવી હતી. ચાલુ વર્ષે સારા એવા પ્રમાણમાં વરસેલા વરસાદના પગલે મગફળી, સોયાબીન જેવા ખરીફ પાકોનું મબલખ વાવેતર થયું છે. તાલાલા ગીર પંથકમાં ખરીફ પાક પૈકી મગફળીની ૩ લાખ ૩૫ હજાર ગુણી જેટલો બમ્પર પાક તૈયાર થવાની ધારણા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે તાલાલા પંથકમાં મોસમનો કુલ વરસાદ ૧૧૯૦ મી.મી. એટલે કે ૧૦૫ ટકાથી પણ વધુ વરસાદ થયો છે. ત્યારે ચોમાસુ પાક અંગે વિવિધ ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ તાલાલા પંથકમાં એક વીઘે એવરેજ ૧૪ મણ મગફળીનો પાક તૈયાર થવાનો અંદાજ હોય છે. તાલાલા પંથકના ૪૫ ગામોમાંથી કુલ ૩ લાખ ૩૫ હજાર ગુણી મગફળીના પાકનું ઉત્પાદન થવાની ધારણા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. તાલાલા પંથકના મગફળીના ઉત્પાદકોએ વાવેતર કરેલી મગફળીના પાકમાંથી અંદાજે રૂ.૬૭ કરોડની ફસલ થવાનો અંદાજ વ્યક્ત થયો હતો. તાલાલા પંથકમાં આ વર્ષે સોયાબીનનું પણ ૫૩૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. આ સોયાબીનનો પાક પણ આગામી દિવસોમાં બજારમાં આવવાથી ખેડૂતોને સારૂ વળતર મળવાની આશા સેવાઈ છે.


