નડિયાદ
આગામી દિવસોમાં હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. જેના પગલે જિલ્લા પોલીસ તંત્ર એ પણ? પેટ્રોલિંગ વધારી દીધું છે. એસઓજી પોલીસે નડિયાદમાં ન્યુ ભારત ભૂવન હોટલમાં અન્યના ઓળખ કાર્ડ પર રૂમ બૂક કરાવી રહેતા બે અમદાવાદના ઈસમો પાસેથી છરો તલવાર કબ્જે કરી જાહેરનામા ભંગ અનવ્યે ગુનો નોંધ્યો છે. એસઓજી પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા, આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે નડિયાદ સરદાર પટેલની પ્રતિમા પાસે આવેલ ન્યૂ ભારત ભૂવન હોટેલમાં પહોંચ્યા હતા. જ્યાં બે શંકાસ્પદ ઈસમો રહેતા હોવાની માહિતી મળી હતી. આના આધારે મેનેજરને સાથે રાખી આ હોટેલના રૂમ નંબર ૫૦૩ની અંદર તપાસ કરતા બે ઈસમો મળી આવ્યા હતા. પોલીસની પુછતાછમાં આ બંનેએ પોતાના નામ જીતેશ રમેશ નોગીયા અને નરેશ વિજય વણઝારા (બન્ને રહે. સીવાનંદનગર, અમરાઈવાડી, અમદાવાદ) હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસની પૂછપરછમાં યોગ્ય જવાબ ન આપતા શંકા તથા પોલીસે રૂમની તલાસી આદરી હતી. જ્યાથી એક છરો અને તલવાર મળી આવી હતી. આથી પોલીસે આ બંને સામે જાહેરનામાનો ભંગ અનવ્યે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે એક બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૬૮ હજાર ૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
