પતિ-પત્નીને સમાધાન માટે કેશોદના પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ખાતે લઇ જવાયા
જૂનાગઢ તા.૪ જે બાળકે હજુ ધરતી પર પાપા પગલી પાડી રહી છે તેવા અનેક બાળકો માતા પિતાના અણબનાવ,કંકાસ, વધી રહેલા ઘરેલું અવિશ્વાસ અને દોષારોપણમા બાળકોને સહન કરવું પડે છે. અને બાળકો માતા પિતાની પ્રેમ લાગણીથી વંચિત રહે છે એવો જ એક કિસ્સો કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા જાણવા મળ્યો હતો.
માળીયાહાટિના તાલુકાના એક ગામમાં મહિલા પુનઃલગ્ન કરી ત્રણ વર્ષથી સાસરે આવી પોતાના પતિ સાથે સુખી જીવન જીવવાની શરૂઆત કરી હતી. પોતાના પરિવાર છોડીને સાસરે આવેલ દરેક મહિલા અન્ય પરિવારની સભ્ય બની પોતાનો એક સુખી પરીવાર બનાવવા માટે સાસરીના સુખે સુખી અને દુઃખે દુઃખી હોય છે. ત્યારે આ મહિલા પુનઃલગ્ન કરી ત્રણ વર્ષથી તેમના પતિ સાથે રહેતી હતી. જેમાં છેલ્લા એક વર્ષથી પતિ શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા અને મહિલાના આગલા ઘરનો એક દિકરો હતો. તેથી મહિલાના સાસુ-સસરાના મેણાટોણા અપશબ્દો થી સાસરિયામા ઘરેલુ હિંસાથી પીડિત હતી.
મહિલાના પતિ એ ઝઘડો કરી મહિલાની પાંચ મહિનાની માસૂમ બાળકીને જબરજસ્તી પોતાની પાસે રાખીને માતાના પ્રેમથી વંચિત કરી હતી. તેથી મહિલાએ ૧૮૧ ફોન કરી તેમની બાળકીનો કબ્જો અપાવવા મદદ માંગી હતી. તેથી કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ડાયબેન માવદીયા તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી અને મહિલાના પતિનું કાઉન્સેલીંગ કરી સમાધાન કરી સાથે રહેવા સમજાવ્યા પરંતુ મહિલાના પતિ હાલ સમાધાન કરવા માંગતા ન હતા. તેથી બાળકીના ભવિષ્ય અંગે સમજણ આપી અને બાળકીને માતાના પ્રેમ અને હુફથી વંચિત ન રહે માટે બંને પક્ષનું કાઉન્સિલિંગ કરી રાજીખુશથી બાળકીનો હંગામી ધોરણે કબ્જો પીડિતાને અપાવ્યો હતો અને માતાના પ્રેમ અને હૂફથી વંચિત પાંચ મહિનાની બાળકીને માતા સાથે મિલન કરાવ્યું અને મહિલા તથા તેના પતિ વચ્ચેની તકરારને દૂર કરવા તથા તેનું સાંસારિક જીવન ફરીથી સારી રીતે ચાલવા લાગે તેના માટે બંને ને લાંબા ગાળાના કાઉન્સેલીંગ માટે કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા.
