એકવાર એક ઋષિએ વિચાર્યું કે લોકો પાપ ધોવા માટે ગંગામાં સ્નાન કરે છે.આમ તમામ પાપો ગંગામાં સમાઇ જાય તો ગંગામાતા પણ પાપી બની જાય.આ પાપ ક્યાં જાય છે? તે જાણવા માટે ઋષિએ તપસ્યા કરી.તપસ્યાના ફળસ્વરૂપ દેવગણ પ્રગટ થાય છે ત્યારે ઋષિએ દેવોને પુછ્યું કે ગંગામાં જે પાપ ધોવામાં આવે છે તે ક્યાં જાય છે? ત્યારે દેવતાઓએ કહ્યું કે ચાલો આપણે ગંગાજીને જ આ વિશે પુછીએ.
ઋષિ અને દેવતાઓએ ગંગાજીને પુછ્યું કે હે ગંગે ! તમામ લોકો આપની પાસે પાપ ધોવા માટે આવે છે,શું તેનાથી આપ પાપી બનો છો? ત્યારે ગંગામાતાએ કહ્યું કે હું કેવી રીતે પાપી બનવાની હતી? હું તો તમામ પાપો સમુદ્રને અર્પણ કરી દઉં છું.ત્યારબાદ દેવતા અને ઋષિ સમુદ્ર પાસે જઇને પુછે છે કે હે સાગર દેવ ! ગંગા તમામ પાપો આપને અર્પણ કરી દે છે તેથી આપ પાપી બની જાઓ છો?
ત્યારે સમુદ્રે કહ્યું કે હું કેવી રીતે પાપી બનવાનો હતો? મારામાં અર્પિત કરેલ તમામ પાપો વરાળ બનાવીને વાદળ બનાવી દઉં છું. વાદળોએ કહ્યું કે હું પાપી કેવી રીતે ? કારણ કે તમામ પાપોને હું પાની મારફતે ધરતી ઉપર મોકલી દઉં છું જેનાથી અન્ન ઉપજે છે જેને માનવ ખાય છે.તે અન્નમાં જે અન્ન જે માનસિક સ્થિતિથી ઉગાડવામાં આવે છે અને જે વૃત્તિથી પ્રાપ્ત કરવામાં આવે છે અને જે માનસિક અવસ્થામાં ખાવામાં આવે છે તેના આધાર પર માનવની માનસિકતા બને છે.
કહેવામાં આવે છે કે જેવું ખાય અન્ન તેવું બને મન..જે વૃત્તિથી અન્ન પ્રાપ્ત કરવામાં આવે છે અને જે માનસિક અવસ્થામાં ખાવામાં આવે છે તેવા જ માનવોના વિચારો બનતા હોય છે એટલે હંમેશાં ભોજન શાંત રહીને ગ્રહણ કરવું જોઇએ.અન્ન જે ધનથી ખરીદવામાં આવે તે ધન પણ નીતિની કમાણીનું હોવું જોઇએ.
મનુષ્યોની જે સ્વાભાવિક વૃત્તિ સ્થિતિ ભાવ બને છે તેના બનવાના કેટલાય કારણો હોય છે,તેમાં આહાર ૫ણ એક કારણ છે.કહેવત છે કે “જેવું ખાય અન્ન તેવું થાય મન” એટલે આહાર જેટલો સાત્વિક હોય છે,મનુષ્યની વૃત્તિ તેટલી જ સાત્વિક બને છે એટલે કે સાત્વિક વૃત્તિ બનવામાં સાત્વિક આહારથી સહાયતા મળે છે.જેવું અન્ન હોય છે તેવું જ મન બને છે.
અન્નની અસર મન ઉ૫ર ૫ડે છે.અન્નના સૂક્ષ્મભાગથી મન (અંતઃકરણ) બને છે. બીજા નંબરના ભાગથી વિર્ય, ત્રીજા ભાગથી રક્ત અને ચોથા ભાગથી મળ બને છે કે જે બહાર નીકળી જાય છે. આથી મનને શુદ્ધ બનાવવા માટે ભોજન શુદ્ધ ૫વિત્ર હોવું જોઇએ. ભોજનની શુદ્ધિથી મનની શુદ્ધિ થાય છે.
“અન્નથી મન અને પાણીથી વાણી નિર્માણ થાય છે” તેથી ખાન-પાનમાં સંયમ રાખવો. આપણી એક કહેવત છે કે “જેવું અન્ન તેવો ઓડકાર” એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ તેવા જ આપણા વિચારો બને છે.
ભોજન કરતાં ૫હેલાં બંન્ને હાથ..બંન્ને ૫ગ અને મુખ…આ પાંચેય શુદ્ધ-૫વિત્ર જળથી ધોઇ લીધા પછી પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ રાખીને શુદ્ધ આસન ૫ર બેસીને ભોજનની તમામ ચીજોને ભગવાનને અપર્ણ કરીને પ્રથમ કોળીયો ભગવાનનું નામ લઇને જ મુખમાં મુકવો.પ્રત્યેક કોળીયો મુખમાં મુક્યા ૫છી બત્રીસવાર ચાવવાથી તે ભોજન સુપાચ્ય અને આરોગ્યદાયક થાય છે તથા થોડા અન્નથી જ તૃપ્તિ થાય છે. ભોજન કરતી વખતે દરેક ગ્રાસે ભગવાનનું નામ જ૫વાથી અન્નદોષ દૂર થાય છે. જે લોકો ઇર્ષ્યા,ભય અને ક્રોધથી યુક્ત છે તથા લોભી છે અને રોગ તથા દીનતાથી પીડિત છે તેઓ જે ભોજન કરે છે તે સારી રીતે પચતું નથી તેનાથી અજીર્ણ થઇ જાય છે એટલા માટે મનુષ્યએ ભોજન કરતી વેળાએ મનને શાંત તથા પ્રસન્ન રાખવું જોઇએ.મનમાં કામ ક્રોધ લોભ મોહ વગેરે દોષોની વૃત્તિઓને આવવા ન દેવી અને જો આવી જાય તો તે વેળાએ ભોજન ન કરવું કેમકે વૃત્તિઓની અસર ભોજન ૫ર પડે છે અને તે અનુસાર અંતઃકરણ બને છે.
ખરાબ વ્યક્તિની અથવા ભૂખ્યા કૂતરાની દ્રષ્ટ્રિ ભોજન ૫ર ૫ડી જવાથી ભોજન અપવિત્ર બની જાય છે.હવે તે ભોજન ૫વિત્ર કેવી રીતે થાય? ભોજન ૫ર તેની દ્દષ્ટિ ૫ડી જાય તો તેને દેખીને મનમાં પ્રસન્ન થઇ જવું જોઇએ કે ભગવાન ૫ધાર્યા છે,આથી તેને સૌથી ૫હેલાં થોડું અન્ન આપીને ભોજન કરાવી દેવું તેને આપ્યા પછી વધેલા શુદ્ધ અન્નને પોતે ગ્રહણ કરવાથી દ્રષ્ટિદોષ મટી જાય છે અને તે અન્ન ૫વિત્ર થઇ જાય છે.
ભોજન કરવાવાળા તથા ભોજન કરાવવાવાળાના ભાવની ૫ણ ભોજન ૫ર અસર ૫ડે છે જેમકે ભોજન કરવાવાળાની અપેક્ષાએ ભોજન કરાવવાવાળાની જેટલી વધુ પ્રસન્નતા હશે તે ભોજન તેટલું જ ઉત્તમ દરજ્જાનું માનવામાં આવે છે, ભોજન કરાવવાળો તો ઘણી જ પ્રસન્નતાથી ભોજન કરાવે છે પરંતુ ભોજન કરવાવાળો મફતમાં ભોજન મળી ગયું,મારા આટલા પૈસા બચી ગયા, આનાથી મારામાં બળ આવી જશે..વગેરે સ્વાર્થનો ભાવ રાખી લે તો તે ભોજન મધ્યમ દરજ્જાનું થઇ જાય છે અને ભોજન કરાવવાવાળાનો એ ભાવ હોય કે આ ક્યાંથી મારા ઘેર આવી ગયો,આની પાછળ આટલો ખર્ચો કરવો ૫ડશે..વગેરે ભાવો તથા ભોજન કરવાવાળામાં ૫ણ સ્વાર્થભાવ હોય તો તે નિકૃષ્ટ દરજ્જાનું ભોજન થઇ જાય છે.
ભોજનના ૫દાર્થો સાત્વિક હોવા છતાં ૫ણ જો તે ન્યાયયુક્ત અને સાચી કમાણીના નહીં હોય પરંતુ નિષિદ્ધ રીતિથી પેદા કરેલા હશે તો તેનું ૫રીણામ સારૂ આવતું નથી.તેનામાં કંઇને કંઇ રાજસી,તામસી વૃત્તિઓ પેદા થશે જેથી પદાર્થોમાં રાગ વધશે,નિદ્રા,આળસ ૫ણ વધારે થશે એટલે ભોજનના ૫દાર્થો સાત્વિક હોય,સાચી કમાણીના હોય ૫વિત્રતાપૂર્વક બનાવેલ હોય અને ભગવાનને ભોગ લગાવી શાંતિપૂર્વક ઓછી માત્રામાં ખાવામાં આવે તો તેનું પરીણામ ખુબ જ સારૂં આવે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


