ભાવનગર
ભાવનગર રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પટેલને ફરિયાદ મળી હતી કે, ભાવનગર શહેર અને જિલ્લામાં અમુક શખ્સો પોલીસ વિભાગમાં નોકરી ન કરતા હોવા છતાં પોલીસ લખેલી પ્લેટ ગાડીના ડેસ્ક બોર્ડ ઉપર રાખી પોતે પોલીસમાં હોવાનો રોફ જમાવતા હોય છે. આવા અસામાજીક તત્વો વિરૂદ્ધ કડક કામગીરી કરવા આપેલી સૂચનાના અનુસંધાને ભાવનગર જિલ્લા ટ્રાફિક પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે ભાવનગરના પ્રવેશદ્વાર સમા તળાજા રોડ ટોપ થ્રી સર્કલ રોડ પરથી એક વ્હાઈટ કલરની કાર નીકળી હતી. જેના ડેસ્ક બોર્ડ ઉપર પોલીસ લખેલી પ્લેટ જાેવામાં આવકા પોલીસે કારને અટકાવી કારના ચાલક ધવલ અશ્વીન મકવાણા પાસે પોલીસની પ્લેટ લગાડવા બાબતે પૂછપરછ કરતાં પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ન હોવાનું જણાવ્યું હતું. પોલીસમાં નહોવા છતાં પોતે પોલીસમાં હોવાનો રોફ જમાવવા માટે કારના ડેસ્કબોર્ડ ઉપર પોલીસ પ્લેટ લગાવી હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે કારની કિંમત રૂ.૨.૫૦ લાખ ગણી કારને કબ્જે કરી હતી. તેમજ કાર ચાલક વિરૂદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ભાવનગર ટ્રાફિક પોલીસની ટીમે શહેરના પ્રવેશદ્વાર સમા ટોપ થ્રી સર્કલ નજીકથી કારમાં પોલીસ લખેલી પ્લેટ સાથે પોલીસ તરીકેનો રોફ જમાવવા નીકળેલા બગોદરાના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર કબ્જે કરી યુવક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

