અમદાવાદ
વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે તેમજ અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણો માટે ફ્રેન્ડલી પોલિસીઝથી સાનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા પણ આંતરરાષ્ટ્રિય સ્તરે જાણીતું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં આઈટી ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી આઈટી અને આઈટીઇએસ પોલિસી ૨૦૨૨-૨૦૨૭ લોન્ચ કરી છે અને આ નવી પોલિસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૮ સપનાંઓ પૈકીનું એક સપનું ‘‘બે રોજગારી સે મુકત રોજગારી સે યુકત’’માં મહત્વનું યોગદાન આપનારી બનશે. મુખ્યમંત્રીએ આ ગુજરાત આઈટી અને આઈટીઇએસ પોલિસીના ઉદ્દેશ્યોની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યુ કે, હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે આઈટી ટેલેન્ટ પૂલ બનાવવા, અદ્યતન આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસીનો હેતુ છે. એટલું જ નહિ, રાજ્યમાં એક મજબૂત કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ, બ્લોક ચેન જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ છે.મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, ગુજરાત આઈટી ક્ષેત્રે દેશના ટોપ ફાઇવ સ્ટેટસમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે. આઈટી સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ એક્સપોર્ટ ૩ હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવા અને આઈટી અને આઈટીઇએસ ક્ષેત્રમાં નવી ૧ લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આઈટી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત આઈટી અને આઈટીઇએસ પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ૨૦૨૨થી ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા તેમજ આઇ.ટી ક્ષેત્રની રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત ૯ જેટલી સંસ્થાઓના, ગૃહોના પ્રતિનિધિઓ પણ આ પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું છે. આ નવી અને ઉભરતી આઈટી ટેક્નોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ પર નોંધપાત્ર અસરો ઉભી કરવા સાથોસાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે. એમ તેમણે આ નવી આઇ.ટી પોલિસીની વિશદ ભૂમિકા આપતાં ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશનું આઈટી ક્ષેત્ર રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણ સંદર્ભમાં વૈશ્વિક આઈટી ક્ષેત્રે અગ્રણી સ્થાને છે.
