રાજકોટ
આજે એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન સંજીવકુમાર રાજકોટના હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે તેમણે ટર્મિનલ બિલ્ડીંગ એ.ટી.સી. ટાવર, ફાયર સ્ટેશન, રન-વે સહિત વિવિધ સ્થળની સાઇટ વિઝીટ કરીને પ્રગતિ હેઠળની કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. ચેરમેન સમક્ષ એરપોર્ટની કામગીરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરાયો હતો. તેમજ ૨૭૦૦ મીટરનો રન-વે ટેકઓફ માટે તૈયાર થઈ ચૂક્યો છે અને હાલ બોક્સ ક્લવર્ટ કામગીરી પૂરજાેશમાં શરૂ કરાઇ છે. સંજીવકુમાર અને દિલ્હીથી આવેલા પ્લાનિંગ મેનેજર અનિલકુમાર પાઠકે તમામ એજન્સીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમને પડતી મુશ્કેલીઓ જાણી હતી. તેમજ તમામ બાબતોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવી વહીવટી તંત્રના સંકલનમાં રહીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. એરપોર્ટ ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર લોકનાથના જણાવ્યા મુજબ હાલ રન-વેની ૨૭૦૦ મીટરની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે, બાઉન્ડ્રી વોલની કામગીરી પૂર્ણતાના આરે છે. બોક્સ કલવર્ટની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે કલેક્ટર અરુણ મહેશ બાબુએ વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર સંબંધી તમામ કામગીરીનું નિરાકરણ આવી ગયાનુ ચેરમેનને જણાવ્યું હતું. બેઠકમાં જમીન સંપાદન વિભાગના અધિકારીઓએ જમીન સંપાદનની માહિતી પૂરી પાડી હતી. આ તકે નાયબ કલેક્ટર દેસાઈ, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


