રાજકોટ
સોશિયલ મીડિયામાં ફોલઅર્સ વધારવા માટે યુવાનો અવનવાં કરતબો કરતા હોય છે. ક્યારેક તો એવા ખેલ કરવામાં આવે છે, જેમાં ખેલ કરનારની તો જિંદગી જાેખમાય છે, પરંતુ તેની પાસેથી પસાર થતા લોકો પર જાેખમ ઝળૂંબવા લાગે છે. આવો જ વધુ એક વીડિયો ફરતો થયો હતો, જેમાં રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ગણેશવિસર્જન માટે નીકળેલા યુવાનો પૈકી બે યુવાને ચાલુ મોપેડે ઊભાં રહી હાથ ઊંચા કરી રોફ જમાવ્યો હતો. જાેકે આ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટનો રેસકોર્સ રિંગ રોડ જાેખમી સ્ટંટ કરવા માટેનું મુખ્ય કેન્દ્રસ્થાન હોય એમ અવારનવાર આ રસ્તા પર યુવાનો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે જિંદગી જાેખમમાં મૂકી જાેખમી સ્ટંટ કરતા નજરે પડતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. એચ.એન. શુક્લ કોલેજ ગ્રુપ દ્વારા ગણપતિવિસર્જનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિસર્જન સમયે જતા મોટી સંખ્યામાં યુવાનો રેલીસ્વરૂપે જાેડાયા હતા. તે પૈકી બે યુવાન ઉત્સાહમાં આવી મોપેડ પર ઊભા રહી જાેખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. રેસકોર્સ રિંગ રોડ પર પટેલ આઇસક્રીમ નજીક સામેના રસ્તા તરફ પહોંચ્યા એ સમયે જીજે-૦૩-એમએફ-૬૧૮૨ નંબરના એક્સેસ મોટરસાઇકલ પર સવાર યુવાનોમાં પાછળ બેઠેલા યુવાન સીટ પર ઊભા રહી જાેખમી સ્ટંટ કરતા હતા, જે વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે. થોડા દિવસ પહેલાં આ જ જગ્યાએ રાત્રિના સમયે બાઇક પર ઊભા રહી જાેખમી સ્ટંટનાં વાઇરલ વીડિયો અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે વાઇરલ વીડિયો અંગે ગુનો નોંઘી સ્ટંટ કરતા જયદીપ વશનાણી અને રોહન પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

