વડોદરા
જે લોકો ત્રીજાે પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર થઈ ગયા છે એ તમામ લોકો સત્વરે તકેદારી ડોઝ લઈ લે એવો અનુરોધ કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરોના વધી રહ્યો છે, ત્યારે માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ, વારંવાર હાથ સાબુથી ધોવા અને ભીડભાડનો ભાગ ન બનવાની તકેદારી સૌ લે. તેમણે તરુણ રસીકરણ જિલ્લામાં સત્વરે ૧૦૦ ટકા પૂરું થઈ જવાની અપેક્ષા વ્યક્ત કરવાની સાથે આ આયોજન માટે જિલ્લા આરોગ્ય તંત્રને અભિનંદન આપ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૩૯૮ કેસ નોંધાયા છે. આ કેસ શહેરના જેતલપુર, બાજવા, વારસીયા, દિવાલીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલુપર, બાપોદ અને વાઘોડિયામાં નોંધાયા હતા. જ્યારે વધુ ૧૬૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં હાલમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૩૫૩ થઇ છે. એક્ટિવ દર્દીઓમાં સૌથી વધુ ૫૯૯ દર્દી ૨૧થી ૪૦ની વય જૂથના છે. જ્યારે સૌથી ઓછા ૧૬ એક્ટિવ દર્દી ૮૧ થી ૯૦ વર્ષની ઉંમરના નોંધાયા છે. રવિવારે પાલિકા દ્વારા અત્યાર સુધીના સૌથી વધુ ૧૦,૦૪૪ જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં ૩૯૮ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે સાથે કુલ સંક્રમિતોનો આંકડો ૭૪,૩૯૯ પર પહોંચ્યો છે. જેમાં ૧૧૯૯ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે ૧૫૪ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમજ ૧૮૬૭ લોકો હોમ ક્વોરન્ટીન છે.વડોદરા જિલ્લા કલેક્ટર આર.બી.બારડે વડોદરા જિલ્લાના ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીજા પ્રિકોશન ડોઝની રસી મુકાવી હતી અને વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં લાયક લોકોને ત્રીજા ડોઝનું સુરક્ષા ચક્ર પ્રદાન કરવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
