વડોદરા
વડોદરા શહેરના આજવા રોડ પર ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતી અને ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી ૧૯ વર્ષીય નિશા ઉર્ફે બબુ નિલેશભાઇ દેસાઇએ કેમિસ્ટ્રીના પેપરની પૂર્વસંધ્યાએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાપોદ પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ?વિદ્યાર્થિનીનો પરીક્ષાનો નંબર રોઝરી સ્કૂલમાં આવ્યો હતો. તેનું કેમિસ્ટ્રીનું પેપર હોવાથી એની તૈયારીઓ કરી રહી હતી. પરંતુ એ પરીક્ષાને કારણે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને કેમિસ્ટ્રીના પેપરની પૂર્વસંધ્યાએ જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારે તેની માતા ઉઠાડવા જતાં પુત્રીનો મૃતદેહ રૂમમાં પંખા પર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતાં ચોંકી ઊઠયાં હતાં. માતાના હૈયાફાટ રિદન અને ચીસોથી પાડોશીઓ દોડી આવ્યા હતા. એ સાથે આ બનાવની જાણ અન્ય પરિવારની વ્યક્તિઓને થતાં તેઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવની જાણ બાપોદ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાના ટેન્શનને કારણે વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીએ કેમિસ્ટ્રીના પેપરની પૂર્વસંધ્યાએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યાની આશંકા સેવાઇ રહી છે.


