*પ્રથમ દિવસે ૧૨૪૨ લોકોના લોહીના નમુના લેવામાં આવ્યા છે. ટીમ દ્વારા દરેક વિસ્તારમાં ઘરે ઘરે જઈને મચ્છરોના પોરા શોધવામાં આવ્યા*
મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એસ. એમ. દેવની સુચના અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં વાહકજન્ય રોગચાળાને ડામવા માટે જિલ્લા મેલેરીયા તંત્ર ધ્વારા તા.૨૧ માર્ચ-૨૦૨૨ થી હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગોની ટીમો દ્વારા પ્રથમ દિવસે ૧૨૪૨ લોકોના લોહીના નમુના લેવામાં આવ્યા છે. ટીમ દ્વારા દરેક વિસ્તારમાં ઘરે ઘરે જઈને મચ્છરોના પોરા શોધવામાં આવ્યા હતા. જેમાં ૫૮૬ સ્થળોથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા. જેનો સ્થળ ૫૨ જ નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે લોકોને જંતુનાશક દવાયુક્ત મચ્છ૨દાનીનો ઉપયોગ કરવા માટેની સલાહ પણ આપવામાં આવે છે.
હાલ બનાસકાંઠા જિલ્લામાં ડબલ ઋતુને કા૨ણે મચ્છરોની ઘનતામાં વધારો થયો છે. આ સ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે જિલ્લા મલેરીયા તંત્ર દ્વારા તા. ૨૧ માર્ચ-૨૦૨૨ થી ૧૦ દિવસ સુધી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લાના ૧,૨૫૦ ગામ તથા અર્બન વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ અભિયાનમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાની કુલ-૯૮૦ ટીમો કામગીરી માટે જોડાઈ છે. જેઓ દ્વારા પોરાનાશક કામગીરી, તાવના દર્દીઓના લોહીના નમુના લેવા, મેલેરીયા પોઝીટીવ દર્દીને સંપૂર્ણ સારવાર આપવી તેમજ જન સમુદાયને વપરાશમાં લેવામાં આવતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા જેવી સલાહ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે ૨,૬૨,૩૨૬ લાખની વસ્તીને આવરી લેવામાં આવી છે. જેમાં ૪૮,૮૧૩ ઘરોની મુલાકાત લઈને ૧,૬૨,૫૬૩ પાત્રોની ચકાસણી કરતા ૫૮૬ પાત્રોમાં મચ્છરના પોરા મળી આવ્યા હતા. જેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ૧૨૪૨ તાવના દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં મલેરીયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જે પૈકી વર્ષ-૨૦૧૭ માં ૨,૭૧૪ મેલેરીયાના કેસો નોંધાયા હતા. વર્ષ- ૨૦૧૮ માં ૧,૪૩૭ કેસો, વર્ષ-૨૦૧૯ માં ૩૪૦ કેસો, વર્ષ-૨૦૨૦ માં ૧૫૭ કેસો અને ૨૦૨૧ માં ફક્ત ૭૪ જેટલાં મેલેરીયાના કેસો નોંધાયા છે. આમ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને રોગ અટકાયતી કામગીરીને કા૨ણે છેલ્લા પાંચ વર્ષથી મલેરીયાના કેસોમાં સતત ઘટાડો થયો છે. તેમ બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડૉ. એન. કે. ગર્ગે જણાવ્યું છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


