જિજ્ઞાસુ અભ્યાસુ અને શ્રદ્ધાળુઓ માટે કંઈક સવિશેષ…
ગિરગઢડા
ભરત ગંગદેવ
ભગવાન શ્રીકૃષ્ણ કંસના કારાવાસમાં પ્રગટ થયા હતા જ્યારે બાબા રામદેવપીર અજમલજીના પ્રાંગણમાં પારણામાં પ્રગટ થયા હતા ! શ્રીકૃષ્ણ વિષ્ણુનો અવતાર ગણાય છે જ્યારે બાબા રામદેવપીર શ્રીકૃષ્ણનો અવતાર ગણાય છે.ભગવાન શ્રીકૃષ્ણે બાળવયે કાલિયદમન કર્યું જ્યારે રામદેવપીરે ભૈરવવધ કરીને પોકરણની પ્રજાને ભયમુક્ત બનાવી.શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા હતા અને રામદેવપીર રણુજાના રાજા હતા.કાલયવન સામે દ્વારકા છોડી કૃષ્ણ “રણછોડ” બન્યા અને ભૈરવ વધ માટે અવતારભૂમિ છોડીને બાબા રામદેવ પોકરણના પીર બન્યા ! અને રણમાં રણુજા ગામ વસાવી “રણ રક્ષક” રણ વીર બન્યા.પર્યાવરણની સુરક્ષા કરી.રામદેવપીરની સમાધિ પછી રણુજાગામ એ રણુજાધામ રુણિચાધામ રામદેવરા બન્યું.કૃષ્ણ દ્વારકાધીશ કહેવાય છે અને રામદેવપીર રણુજાધીશ કહેવાય છે.કૃષ્ણને ભક્તો “બંસીવાળો લાલો” કહે છે જ્યારે રામદેવપીરને ભક્તો “ભાલાવાળો બાબો” કહે છે.કૃષ્ણ બાંકે બિહારી કહેવાય છે જ્યારે રામદેવપીર પરચાધારી મરૂધર મોરારિ કહેવાય છે.દ્વાપરયુગમાં સુભદ્રાસુત અભિમન્યુને જીવિત કરવાનું કામ કૃષ્ણે કળિયુગમાં કૃષ્ણાવતાર તરીકે રામદેવપીર સ્વરૂપે પરિપૂર્ણ કર્યું અર્થાત સર્પ દંશથી નિજધાન ગમન કરેલ સુગણા-બુધવંતના પુત્ર અમરસિંહને સજીવન કર્યો.કૃષ્ણ શ્રાવણમાં અવતર્યા અને રામદેવપીર ભાદરવામાં પ્રગટ થયા.કૃષ્ણના બાળ સખા સુદામા હતા જ્યારે રામદેવપીરના મિત્ર સ્વારથિયા સુથાર હતા.કૃષ્ણનું અવતરણ સ્થળ મથુરા હતું.બાળપણ ગોકુળ વૃંદાવનમાં વીત્યું. કર્મભૂમિ દ્વારકા હતી અને સોમનાથ ભાલકા તીર્થથી ગોલોકગમન કર્યું હતું એજ રીતે રામદેવપીરનું રામદેરિયા : ઉન્ડૂ કાશ્મીરમાં અવતરણ થયું.પોકરણમાં ભૈરવ વધ કર્યો.ગુરુ બાલીનાથનું ઋણ ઉતારવા રણ મધ્યે રણુજા વસાવ્યું અને આવશ્યક લૌકિક અલૌકિક અવતારકાર્ય પરિપૂર્ણ કરી રણુજાથી થોડેક દૂર રામદેવરામાં રામ સરોવરની પાળે જીવંત સમાધિ લીધી જે દેશ અને દુનિયામાં રણુજા-રામદેવરા તરીકે સુપ્રસિદ્ધ છે.જેમ કૃષ્ણ અલગ અલગ ધામે અલગ અલગ નામે પૂજાય છે એમ રામદેવપીર પણ અલગ અલગ ધામે અલગ અલગ નામે પૂજાય છે.કૃષ્ણ મથુરા ગોકુળ વૃંદાવનમાં લાલો કાનુડો કાનો કનૈયો કહેવાય છે.વ્રજભૂમિમાં બાંકે બિહારી કહેવાય છે.દ્વારકાના રાજા કહેવાય છે.ડાકોરમાં રણછોડરાય કહેવાય છે.રાજસ્થાનમાં શ્રીનાથજી કહેવાય છે.અરવલ્લીમાં શામળાજી કહેવાય છે. પુરીમાં જગન્નાથજી કહેવાય છે અને મ્હારો વ્હાલો ઢીમામાં ધરણીધર કહેવાય છે અને વરાહ અવતાર સ્વરૂપે પૂજાય છે જ્યારે રામદેવપીર અવતારધામમાં બાળ સ્વરૂપે પૂજાય છે અને કવિ જિમના મતે “ગેંદ મરુધર” કહેવાય છે.(જેમકે કૃષ્ણનું બાળ સ્વરૂપ લડડુ ગોપાલ અને શ્રીરામનું બાળ સ્વરૂપ રામલલા કહેવાય છે ! ) તત્કાલિન ભૈરવભૂમિ અને વર્તમાન પરમાણુ નગરી પોકરણમાં પીર કહેવાય છે.સમાધિ સ્થળ રણુજામાં “રાજા” કહેવાય છે.સમગ્ર રાજસ્થાનમાં રામસાપીર તરીકે પૂજાય છે.અભણ અજાણ ભોળા ભલા અને નિર્દોષ નિખાલસ શ્રદ્ધાળુઓ બાબાને રામાપીર કહે છે અને મુસ્લિમ લોકો “પીરોના પીર” હિંદવા પીર તરીકે બાબાને આરાધે છે.બાલોતરા પાસે બિઠૂજામાં રામદેવપીરે વિશ્રામ લીધો હતો.કૃષ્ણ અર્જુનના સારથિ હતા જ્યારે રામદેવપીર કળિયુગમાં સાચા દિલથી સ્મરણ કરે તે સર્વેના હાજરાહજૂર સારથિ છે.સાથી છે.સંગાથી છે.તેમનું જીવન સુધારે છે.પરચા આપીને કળિયુગમાં ભક્તોના મન રૂપી બગીચાને હર્યોભર્યો રાખે છે એટલે સાચા અર્થમાં રામદેવપીર “માળી” છે.વચનબદ્ધ રામદેવપીર સમાધિ લીધા પછી સૌપ્રથમવાર માસિયાઈ ભાઈ હડબુજી સાંખલાને માલાજાળ પાસે રૂબરૂ અને આબેહૂબ મળે છે.જોધપુર ઓસિયામાં પંડિતજીની ઢાણી ખાતે રામદેવપીર સમાધિ લીધા પછી બીજી વાર હરજી ભાટીને હાજરાહજૂર મળે છે.રામદેવપીરના પ્રથમ અને પ્રિય ભક્ત હરજી ભાટી બાબાની ઉપદેશલીલા અને અવતરણ કાર્યના સૌપ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર-સ્ટાર પ્રચારક હતા.આજે રામદેવપીરના ભજન હરજી ભાટીના ભજન કે છાપ સિવાય અધૂરા ગણાય છે ! બર બ્યાવર પાસે બિરાંટિયામાં રામદેવપીર ડોકટરોના પણ ડોકટર સુપર અને સાક્ષાત સર્જન પુરવાર થાય છે જ્યાં દેસૂરીના અગ્રવાલ જૈન દલુજી શેઠનું મસ્તક સંધાન કરી નવજીવન બક્ષે છે ! અમરકોટ સોઢા નરેશ દલપતજી પરમારના જમાઈ બાબા રામદેવપીરે મધ્યકાલીન યુગમાં ડાલીબાઈના પ્રસંગ દ્વારા બેટી બચાવો અને બોહિતમલ વાણિયાના પ્રસંગ દ્વારા મન કી નહિ પણ સ્વ દિલ કી અને યોગ સિદ્ધિથી પર દિલ કી બાત કહી હતી અને સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યા હતા !!! કળિયુગના એકમાત્ર દેવ જેમને ભજવા કોઈ ધર્મ સંપ્રદાય પંથ માર્ગ ફાંટો ફિરકો નડતો નથી.બાબા રામદેવપીર કળિયુગના બિનસાંપ્રદાયિક દેવ છે ! તો ચાલો સૌ કોઈ આપણે કરોડો શ્રદ્ધાળુઓના આરાધ્ય અને મારવાડના મહાકુંભના મહારાજા મરુધરના ગોપાલને મનથી મનાવીએ,બાબાએ દર્શાવેલ નિજ ધર્મ નેજાર ધર્મ મહાપંથને ઉજાળીએ અને પોતાનું જીવન ધન્ય બનાવીએ…બાબો સૌ કોઈ જાણ્યે અજાણ્યે વાચક અને પ્રચારક વર્ગની તમામ મનોકામના સુલભતાપૂર્વક સંપૂર્ણ કરે…
