૧૨૫ થી વધુ કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને નાટ્યનો જાજરમાન જલસો: લોકોને લાભ લેવા અનુરોધ
ગિરગઢડા
ભરત ગંગદેવ.
સમગ્ર દેશ જ્યારે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે, કોરોના ના બે-બે કઠીન વર્ષ લગભગ પુરા થઇ ચુક્યા છે ત્યારે ગુજરાત સરકાર ના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના પસંદ કરાયેલા ૭૫ શહેરો અને નગરો ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઝાદીની અમૃત યાત્રા” શિર્ષક હેઠળ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિ સહિતના જાણીતા ગીતો તથા આઝાદી સાથે જોડાયેલી અનેક ઘટનાઓને મલ્ટી મીડિયાના સહારે જીવંત કરી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પહેલાં ચરણનો પ્રથમ કાર્યક્રમ આજે તા.૨૩-૦૩-૨૦૨૨ના રોજ સાંજે ૬.૩૦ કલાકે ચોપાટી ગ્રાઉન્ડ, સોમનાથ મંદિર સામે, સોમનાથ ખાતે ભવ્યાતિભવ્ય રીતે યોજાશે.
આ સમગ્ર આયોજનમાં નામી કલાકારો પોતાની પ્રસ્તુતી કરશે. આઝાદીના વિવિધ પ્રસંગોમાંથી ખાસ પ્રસંગોની પસંદગી કરી જાણીતા નાટ્ય લેખક – દિગ્દર્શક શ્રી નિસર્ગ ત્રીવેદીએ, એ પ્રસંગોને નાટ્ય સ્વરૂપ આપી લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી સંભાળી છે. જ્યારે વિષય સાથે જોડાયેલા ચુનંદા ગીતો પર નૃત્ય નિર્દેશનની જવાબદારી જાણીતા નૃત્ય નિર્દેશક અંકુર પઠાણે સંભાળી છે. કોરોના કાળ પછી વધુમાં વધુ કલાકારોને આ કાર્યક્રમમાં સમાવી એક નોંધનીય રોજગારી ઉભી કરવાનો હકારાત્મક અભિગમ રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.
આજે સોમનાથ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો સાથે ગુજરાતના નામી કલાકારો સંગીતા લાબડીયા તથા બ્રીજરાજ લાબડીયા પોતાના સ્વરો રેલાવશે. તથા વિષય પ્રસ્તુતિ કરશે. જુનાગઢ થી શરૂ કરીને વિશ્વ કક્ષા સુધી પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે તેવા રાધા મહેતા. કાર્યક્રમનું સંચાલન જુનાગઢના જાણીતા કલાકાર રાજુભાઇ ભટ્ટ કરશે, જ્યારે સ્થાનિક કલાકારોમાં પોતાની પ્રસ્તુતી કરશે. નિરૂ દવે, શિતલ નાણાવટી તથા અવધ ભટ્ટ.
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી યોજાનાર આ મેગા કાર્યક્રમને ગુજરાત પ્રવાસન નિગમ, ગીર સોમનાથ જીલ્લા વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ, સોમનાથ નગરપાલિકા સહિત ગીર સોમનાથ જીલ્લા ના પ્રાભારી મંત્રી , સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોનો સહકાર મળ્યો છે.
આ કાર્યક્રમ પ્રેક્ષકો વિનામુલ્યે માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સાંજે ૬:૩૦ વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં સૌ નગરજનો ને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
