વડોદરા
દેશની રાજધાની દિલ્હી અને તેની નજીકમાં આવેલા રાજ્યોના એનસીઆર વિસ્તારને રેપિડ રેલ યોજના હેઠળ જાેડવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. દરમિયાન ભારતની પહેલી રિઝનલ રેપિડ ટ્રાન્જિટ સિસ્ટમ ટ્રેનનો પ્રથમ લૂક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા નીતિ હેઠળ વડોદરાના સાવલી પ્લાન્ટમાં આરઆરટીએસની તમામ ટ્રેન સેટનું નિર્માણ કરાશે. આ ટ્રેનની ડિઝાઈન દિલ્હીના પ્રસિદ્ધ લોટસ ટેમ્પલથી પ્રેરિત છે. આ ટ્રેન ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની એવરેજ સ્પીડ પ્રમાણે ચાલશે અને તે ભારતની પ્રથમ ટ્રેન છે. એડિએટીંગ સ્ટેનલેસ સ્ટીલની બાહ્ય બોડી સાથે એરો ડાયનેમિક મોડલ સંપૂર્ણપણ વાતાનુકૂલિત રહેશે. ટ્રેનમાં યોગ્ય લેગરૂમવાળી બેઠક વ્યવસ્થા રહેશે. ઓવરહેડ લગેજ રેંક, મોબાઇલ કે લેપટોપ ચાર્જીંગ સોકેટ્સ અને પ્રવાસીઓ વચ્ચે વાઇફાઇ રહેશે. દિલ્હીથી મેરઠ વચ્ચે ૮૨ કિમીના અંતરમાં આ રેપિડ ટ્રેન દોડશે. ૮ માર્ચ ૨૦૧૯ના રોજ પીએમ મોદીએ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાવ્યો હતો. આ યોજનામાં કુલ ૩૦૨૭૪ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. આ ટ્રેનથી માત્ર ૫૦ મિનિટમાં મેરઠથી દિલ્હી પહોંચી શકાશે. એક દિવસમાં અંદાજે ૮ લાખ લોકો મુસાફરી કરશે. ૮૨ કિમીના અંતરમાં ૨૪ જેટલા સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. ૨૦૨૨ના અંત સુધીમાં રેપિડ ટ્રેનનો પહેલો ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. સાહિબાબાદથી દુહાઈ વચ્ચે ૧૭ કિમીના પ્રાયોરિટી સેક્શનને ૨૦૨૩ સુધી અને આખા કોરિડોરને ૨૦૨૫ સુધીમાં શરૂ કરવાની યોજના છે. રેપિડ ટ્રેનની ડિઝાઈન પ્રમાણે ૧૮૦ કિમીની સ્પીડે દોડી શકે છે. ૧૬૦ કિમીની ઓપરેશનલ સ્પીડ અને ૧૦૦ કિમી પ્રતિ કલાકની એવરેજ સ્પીડ સાથે દોડશે. જે ભારતમાં આરઆરટીએસની અત્યાર સુધીની સૌથી ઝડપવાળી ટ્રેન હશે.દિલ્હી અને મેરઠ વચ્ચે દોડનારી રિઝનલ રેપિડ રેલના કોચ વડોદરા જિલ્લાના સાવલી જીઆઇડીસી સ્થિત અલસ્ટોમ કંપની ખાતે તૈયાર થઇ જતાં આજે રવાના કરવામાં આવ્યા હતા. ભારતની પ્રથમ રિઝનલ રેપિડ ટ્રેનના આ કોચને ૭ મેના રોજ સાવલી પ્લાન્ટમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં ભારત સરકારના નિવાસ અને શહેરી મંત્રાલયના સચિવ ઉપસ્થિતિમાં આ ટ્રેનના સેટ રાષ્ટ્રીય રાજધાની પરિવહન ક્ષેત્ર (એનસીઆરટીસી)ને સોંપવામાં આવી હતી. પ્રથમ ટ્રેન બોર્ડ ટ્રેલર પર રાખી ૧૪ મેની આસપાસ ઉત્તર પ્રદેશના જિલ્લા ગાજિયાબાદ સ્થિત દુહાઈ ડિપોમાં પહોંચી જવાની આશા છે. આ રીતે કુલ ૩૫ ટ્રેન સેટ (૨૧૦ કોચ) તબક્કાવાર રવાના કરવામાં આવશે.


