સુરત
સુરતના પૂણામાં ૩ વર્ષની બાળકી પર બળાત્કાર-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી તેના માથામાં પત્થર મારી હત્યા કરી ખાડામાં દાટી દેનારા આરોપી રામપ્રાદ સિંહને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો. હવે કેસનો ચુકાદો સંભળાવાશે. આરોપી સામે સમગ્ર કેસ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચલાવ્યો હતો. જેમાં ૧૫થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આરોપીએ અંદાજિત ૭ કિલોની બાળકી પર ૧૫ કિલોથી વધુના વજનનો પથ્થર મૂકી હત્યા કરી હતી. બાદમાં નજીકના ખાડામાં દાટી દીધી હતી. બાળકીની છાતી પર મૂકેલા ભારી પથ્થરથી બા?ળકીની એક તરફની પાંસળી બેસી ગઈ હતી તો બીજી તરફની ઉપસી આવી હતી. આરોપી ૧૩મી એપ્રિલે ઘર નજીક રહેતી બાળકીને ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતુ. કેમેરાની મદદથી આરોપીની ઓળખ થઈ હતી અને પોલીસે તેને ઝડપી લીધો હતો. ઝડપથી ચાર્જશીટ થયા બાદ કેસ ચાલ્યો હતો અને આજે કોર્ટે હત્યા અને પોક્સોના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. ૩ વર્ષ અગાઉ પાંડેસરામાં ૬ વર્ષની બાળકી સાથે બળાત્કાર-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરનારા સંતોષ ગુપ્તાને કોર્ટે તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. પીડિતા બાળકી-પરિવારને રૂ.૧ લાખ વળતર આપવા હુકમ કર્યો હતો. કોર્ટે ૩૭૬ (એ-બી)માં ૨૦ વર્ષ અને ૩૭૭માં દસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. પડોશમાં રહેતો આરોપી ૫ ફેબ્રુઆરી, ૨૦૧૮એ મોબાઇલ પર કાર્ટુન બતાવવાના બહાને ઘરે લઇ રેપ કર્યો હતો.

