મુંબઈ
સિનેમાજગત માટે આ ખુબજ દુખદ સમાચાર છે. માત્ર ૩૦ વર્ષની ઉંમરમાં એક જાણીતા એક્ટરનું નિધન થઇ ગયુ છે. આ એક્ટરનું નામ કિશોર દાસ છે. તેને કેન્સર હતું. જે ડિટેક્ટ થયું ત્યારે ચોથા સ્ટેજ પર પહોંચી ગયું હતું. હાલમાં કિશોરનો ઇલાજ ચેન્નઇમાં ચાલી રહ્યો હતો. થોડા સમય પહેલાં તેણે ગુવાહાટીમાં પણ ટ્રિટમેન્ટ લીધી હતી. એક્ટરે તે સમયે હોસ્પિટલ માંથી તેની એક તસવીર શેર કરી હતી જે ગત મહિનાની જ છે. જેમાં તે હોસ્પિટલનાં બેડ પર સુતો નજર આવ્યો હતો. કિશોર દાસ માત્ર કેન્સરથી પીડિત ન હતો પરંતુ તેમને કોવિડ પણ થયો હતો. જેના કારણે તેમની તબિયતની સમસ્યા પણ વધી ગઈ હતી. અભિનેતાના નિધનના સમાચાર મળતા જ બધાએ ભીની આંખો સાથે અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેમના લોકપ્રિય અભિનેતાના નિધન પર સતત શોક વ્યક્ત કરી રહ્યા છે. ગયા મહિને કિશોર દાસે હોસ્પિટલનો એક ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું- ‘જે તમને મારતું નથી તે જ તમને મજબૂત બનાવે છે. કીમોથેરાપીનો આ ચોથો તબક્કો છે. તમને લાગશે કે તે સરળ છે પણ એવું નથી. મને થાક, ઉબકા, ચક્કર, નબળાઈ, ઉલ્ટી જેવી ઘણી આડઅસર થઈ રહી છે હું ડૉક્ટરની સલાહ લીધા વગર બીજી કોઈ દવા લઈ શકતો નથી. કિશોર તેની પોસ્ટમાં લખે છે કે, હું સારા થવાની આશા રાખું છું. સાથે જ હું એવી પણ આશા રાખું છું કે સારવાર પૂર્ણ થયા પછી, ગાંઠમાં નોંધપાત્ર ઘટાડો થયો હશે. મને તમારી પ્રાર્થનામાં યાદ રાખજાે. તમને જણાવી દઈએ કે, કિશોર દાસે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ અને ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં પણ ભાગ લીધો હતો.


