ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશમાં લખનઉમાં થોડા દિવસ પહેલા ૧૬ વર્ષના સગીર પુત્રે માતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. આ હત્યાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. હવે આ કિસ્સામાં નવો ફણગો ફૂટ્યો છે. આ કેસમાં ત્રીજા શખ્સની એન્ટ્રી થઈ છે. જેના કારણે આ હત્યાની રૂપરેખા ઘડાઈ હતી. આ ઘટનાના સગીર આરોપીની બાળ સુરક્ષા ગૃહની ટીમ પૂછપરછ કરી રહી છે. નવા નવા ખુલાસા થયા છે. આરોપી સગીર પુત્રએ બાળ ગૃહની પૂછપરછમાં જણાવ્યું હતું કે, પ્રોપર્ટી ડીલરના અંકલ મમ્મીને મળવા આવતા હતા, જે મને ગમતું ન હતું. મેં એક દિવસ આ બાબતે પાપાને ફરિયાદ કરી હતી, ત્યારબાદ પાપા અને મમ્મી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને બાદમાં મમ્મીએ મને ખૂબ માર માર્યો હતો. મારા મનમાં અંદરથી ગુસ્સો હતો. પૂછપરછ દરમિયાન સગીર આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પણ પપ્પાએ મને કંઈ કહ્યું નહોતું, જેથી નાનાએ પપ્પાને ઠપકો આપતા કહ્યું હતું કે તું તારા પુત્ર સાથે એટલા પ્રેમથી વાત કરે છે, જાણે કોઈ દૂધી કે કોળું કાપીને આવ્યું હોય! આ કેસમાં પહેલી નજરે માતા વધુ ટોકતી હોવાથી હત્યા થઈ હોવાનું કારણ જણાતું હતું પણ હવે સગીર આરોપીના ખુલાસાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પુત્રનો ઈરાદો પહેલાથી જ સ્પષ્ટ હતો અને તેને સતત તેના પિતાનો સાથ મળી રહ્યો હતો. તેના પિતા સેનામાં નોકરી કરવાને કારણે પશ્ચિમ બંગાળમાં પોસ્ટેડ છે.
