International

અમ્પાયરે ખેલાડીઓને ડગ આઉટમાંથી બોલાવ્યા પરત

બ્રિસબેન
બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે રવિવારે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપ મેચમાં એક અભૂતપૂર્વ ઘટના ઘટી હતી. ઝિમ્બાબ્વેને છ બોલમાં જીતવા માટે ૧૬ રનની જરૂર હતી. મોસાદેક ફેંકેલી ૨૦મી ઓવરમાં પાંચ બોલમાં ૧૧ રન આપ્યા હતા તેમજ બે વિકેટ પણ ઝડપી હતી. જેથી ઝિમ્બાબ્વેને જીત માટે અંતિમ બોલમાં પાંચ રનની જરૂર હતી. મુઝારબાનીને છગ્ગો ફટકારીને હીરો બનવાની તક હતી પરંતુ અંતિમ બોલમાં ભારે ડ્રામા સર્જાયો હતો. મોસાદેકના અંતિમ બોલ પર વિકેટકીપર નુરૂલે ઝિમ્બાબ્વેના બેટ્‌સમેનને સ્ટમ્પ આઉટ કરીને વહેલી ઉજવણી શરૂ કરી દીધી હતી. ખેલાડીઓ એક તબક્કે મેચ પૂર્ણ થઈ હોવાનું માનીને ડગઆઉટમાં પહોંચી ગયા હતા પરંતુ ટીવી અમ્પાયરે છેલ્લો બોલ નો બોલ આપ્યો હતો અને તેથી મેચ સમાપ્ત કરવા માટે ખેલાડીઓને ડગઆઉટમાંથી પરત બોલાવવાની ફરજ પડી હતી. વિકેટકીપર નુરૂલ હસને બોલને વિકેટની આગળથી પકડ્યો હોવાથી તે નો-બોલ રહ્યો હતો. મોસાદેકે ફરીથી છેલ્લો બોલ ફેંક્યો હતો જે ડોટ બોલ રહેતા બાંગ્લાદેશનો ત્રણ રને નાટ્યાત્મક વિજય થયો હતો. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને નજમુલના કારકિર્દીના શ્રેષ્ઠ ૭૧ રનની મદદથી ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૦ રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. અફિફે ૨૯ રન જ્યારે કપ્તાન શાકિબ અલ હસને ૨૩ રનનો ફાળો આપ્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી નગારવા અને મુઝારબાનીએ બે-બે તથા સિકંદર અને વિલિયમ્સે એક-એક વિકેટ ઝડપી હતી. ઝિમ્બાબ્વેની શરૂઆત કંગાળ રહી હતી અને ફક્ત ૩૫ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. સીન વિલિયમ્સે એક છેડો સંભાળી રાખતા ૪૨ બોલમાં આઠ ચોગ્ગાની મદદથી ૬૪ રન કર્યા હતા. રાયન બર્લ ૨૭ રન નોંધાવનાર બીજાે સર્વોચ્ચ રન કરનાર બેટર રહ્યો હતો. ચકાબ્વા ૧૫ રન સાથે બે આંકડામાં સ્કોર નોંધાવનાર ત્રીજાે બેટ્‌સમેન રહ્યો હતો. આ સિવાય ઝિમ્બાબ્વેનો અન્ય કોઈ બેટ્‌સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહતો. મેન ઓફ ધ મેચ રહેલા તાસ્કિને ચાર ઓવરમાંથી એક મેડન ફેંકી હતી અને ૧૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *