પર્થ
આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ વધુ એક વખત નિરાશાજનક બેટિંગ છતાં પ્રમાણમાં નેધરલેન્ડ જેવી નબળી ટીમને છ વિકેટ હરાવીને વર્લ્ડ કપમાં જીતનું ખાતું ખોલાવવામાં સફળ રહી હતી. પાકિસ્તાન જીત્યું હોવા છતાં ભારતીય ટીમનો રવિવારે દક્ષિણ આફ્રિકા સામે પરાજય થતાં તેની સેમિફાઈનલમાં પહોંચવાની આશા ધૂંધળી જણાય છે. ગ્રુપ ટુમાં પાકિસ્તાન બે અંક સાથે પાંચમાં ક્રમે છે. બાંગ્લાદેશની ટીમે નાટ્યાત્મક રીતે ઝિમ્બાબ્વેને હરાવતા તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બોલર્સ માટે સ્વર્ગ સમાન ગણાતી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમની પીચ પર નેધરલેન્ડની ટીમે પાકિસ્તાનની શીસ્તબદ્ધ બોલિંગનો સામનો કરતા નિર્ધારિત ઓવરમાં નવ વિકેટે ૯૧ રનનો ઓછો સ્કોર નોંધાવી શકી હતી. પાકિસ્તાને ૧૩.૫ ઓવરમાં ચાર વિકેટે ૯૫ રન કરીને ટી૨૦ વર્લ્ડ કપમાં પ્રથમ જીત નોંધાવી હતી. પાકિસ્તાનની બેટિંગમાં ખાસ સુધારો જાેવા મળ્યો નહતો. ઓપનર મોહમ્મદ રિઝવાન ૩૯ બોલમાં ૪૯ રન કર્યા હતા. કેપ્ટન બાબર ફરી ફ્લોપ રહેતા ફક્ત ચાર રન કરી પરત ફર્યો હતો. ફખર ઝમાને ૨૦ જ્યારે શાન મસૂદે ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. ડચ બોલર ગ્લોવરે બે તથા મીકેરેને એક વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની વેધક બોલિંગ સામે નેધરલેન્ડના બેટ્સમેનો વધુ સમય પીચ પર ટકી શક્યા નહતા. એકરમેન (૨૭) અને સ્કોટ એડવર્ડ્સ (૧૫) વચ્ચે ચોથી વિકેટની ૩૫ રનની નોંધપાત્ર ભાગીદારી રહી હતી. પાક. બોલર શાદાબ ખાને સૌથી વધુ ત્રણ વિકેટ મેળવી હતી. વસિમે બે તથા આફ્રિદી, નસીમ અને રઉફે એક-એક વિકેટ ઝડપી હતી.


