Gujarat

કૃષિના પાંચ ખાતામાંથી ૫૧ કરોડ રોકડા ઉપાડી આંગડીયાથી મોકલ્યા

ભાવનગર
બોગસ બિલિંગ અંગે ઇકો સેલ સુરત દ્વારા ભાવનગરમાં પાડવામાં આવેલા જીએસટીના બોગસ બિલિંગ અંગેના દરોડામાં કેટલીક ચોંકાવનારી બાબતો સપાટી પર આવી છે. કૌભાંડકારીઓએ કૃષિ વિષયક બેંક ખાતા ખોલાવી અને આંગડીયા પેઢીઓ મારફત તબદીલ કરવામાં આવેલા રૂપિયા અંગે તપાસ શરૂ થઇ છે. ભાવનગરના આનંદ પરમાર અને ઉસ્માન ફતાણીએ સાથે મળીને કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ આચર્યુ હતુ. આ લોકોએ યોગીરાજ એન્ટરપ્રાઇઝ, જેરામ એન્ટરપ્રાઇઝ, નંદન એન્ટરપ્રાઇઝ, સ્કાય-વે ટ્રેડિંગ, વેજીટેબલ એન્ટરપ્રાઇઝ પેઢીઓના નામના એક્વાટસ બેંકમાં કૃષિ વિષયક ખાતાઓ ખોલાવવામાં આવ્યા હતા. બજાર સમિતિમાં વેપાર ધંધો કરતા ન હોય તેવા લોકોના નામે પણ ખોટા ખાતા ખોલાવવામાં આવ્યા છે. અને તેમાં આર્થિક વ્યવહારો ચિતરવામાં આવેલા છે. આ તમામ ખાતાઓમાં ૧૦૦ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો આચરવામાં આવેલા છે. કૃષિ વિષયક ખાતાઓમાં જે બિલિંગ અંગેના વ્યવહારો કરવામાં આવ્યા હતા, તેમાંથી જે નાણા જમા આવ્યા હતા, તે રૂપિયા જીશાન મરિન, જેનેષ સ્ટીલ, લક્ષ્મી એન્ટપ્રાઇઝ, સાંઇનાથ ટ્રેડર્સ જેવી પેઢીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કૃષિ વિષયક ખાતાઓ યોગીરાજ એન્ટરપ્રાઇઝ, જેરામ એન્ટરપ્રાઇઝ, નંદન એન્ટરપ્રાઇઝ, સ્કાય-વે ટ્રેડિંગ, વેજીટેબલ એન્ટરપ્રાઇઝ પેઢીઓના છે તેમાંથી ૫૧ કરોડ રૂપિયા રોકડા ઉપાડવામાં આવેલા છે, અને તેને રાજકોટ, અમદાવાદ, સુરત, ખાતે હવાલાના માધ્યમથી આંગડીયા મારફતે મોકલવામાં આવ્યા હતા. આંગડીયા દ્વારા મોકલવામાં આવેલા ૫૧ કરોડ રૂપિયા કોને-કોને મળેલા છે તેના અંગે પણ તપાસ ચાલી રહી છે. ઉપરાંત ભાવનગર ખાતે ઉસ્માન ફતાણીની ઓફિસમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન હિસાબ લખવાની નોટબૂક મળી આવી હતી, જેમાં જાબીરભાઇ, હાજીભાઇ, આસિફ, મામા જેવા ટુંકા નામ લખી અને તેઓની સામે લાખો રૂપિયાના આર્થિક વ્યવહારોની નોંધ કરવામાં આવેલી છે. ૨૭૦૬ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં હજુ વધુ લોકોની સામેલગીરીની તપાસ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *