જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના યુવા અને ઉત્સાહી વિદ્યાર્થીઓ આગામી માર્ચ-૨૦૨૩માં લેવાનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષામાં ઉજ્જ્વળ દેખાવ કરી શકે તેવા હેતુસર વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે હેલ્પલાઈન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ કાર્યરત કરવામાં આવેલ છે.
પરીક્ષાએ વિદ્યાર્થીકાળનો શ્રેષ્ઠ ઉત્સવ બની રહે અને તેની ઉજવણી વાલીઓ અને શાળાઓ સૌ સાથે મળી કરીએ તેવા સંકલ્પને સાકર કરવા રોજગાર કચેરી કટીબદ્ધ છે. પરીક્ષા પર્વની વિદ્યાર્થીઓ હર્ષભેર ઉજવણી કરી પોતાના પરીશ્રમ થકી પ્રારબ્ધની પ્રાપ્તિ સાથે જ્ઞાનદિપના ઉજાસ થકી રાષ્ટ્ર નિર્માણમાં ગૌરવપ્રદ યોગદાન આપી શકે તેવા હેતુસર કચેરી ખાતેથી કચેરી સમય દરમિયાન વિદ્યાર્થીઓ તથા વાલીઓ પરીક્ષા લગત માહિતી અને માર્ગદર્શન તેમજ કારકિર્દીલક્ષી સલાહ અને પરીક્ષાલક્ષી મનોવૈજ્ઞાનિક બાબતોના પરામર્શ માટે કચેરીના હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકશે.
કચેરી ખાતેથી મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન કામગીરીના અનુભવી તેમજ નિષ્ણાંત કાઉન્સેલરશ્રીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વિશેષ માહિતી અને માર્ગદર્શનની આવશ્યક્તા અનુસાર વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામા આવેલ છે.
