જ્યાંથી દરરોજ હજારો વાહન અવરજવર કરે છે તે જેતપુરના ધોરાજી રોડ પરનું રેલ્વેનું ફાટક પાટાઓના મેન્ટનેન્સની કામગિરીને કારણે સાત દિવસ સુધી બંધ રહેશે. આ ફાટક બંધ રહેવાનું હોવાથી આ ફાટક પરથી દરરોજ અવરજવર કરતા હજારો લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને સાતેક કિમી ફરવા કરતા ધોરાજી રોડ પર કોઈ જગ્યાએથી ડાયવર્જન આપવા માંગ કરી હતી.
જેતપુર શહેરની પચીસ ટકા જેટલી વસ્તી જ્યાં વસવાટ કરે છે તે વિસ્તાર એટલે શહેરના ધોરાજી રોડ પર રેલ્વે ફાટક બાદનો વિસ્તાર. આ વિસ્તારોમાં અવરજવર માટે રેલ્વે ફાટક ક્રોસિંગ કરીને જવું પડે છે. જો કોઈ કારણસર આ ફાટક બંધ હોય તો ફાટક પછીના અસંખ્ય સાડીઓના કારખાનાઓ, છથી સાત જેટલી સ્કૂલના વાહનો તેમજ જલારામ નગર ૧-૨-૩, નીલકંઠ સોસાયટી, દાસી જીવણપરા વગેરે દસેક જેટલાં વિસ્તારો, ઉપરાંત શહેરમાંથી કોઈને વાહન લઈને ધોરાજી રોડ બાજુ જવું હોય તેઓને અવરજવર માટે છથી સાત કિમી ફરવુ પડે.
આ રોડ પરનું ધોરાજી રોડનું રેલ્વે ફાટક (ફાટક નંબર ૬૧) પર આવતા રેલ્વે ટ્રેક પર તાત્કાલીક મેન્ટનેન્સની કામગીરી કરવાની હોવાથી તા. ૧ માર્ચથી ૭ માર્ચ સુધી આ ફાટક વાહન વ્યવહાર માટે બંધ રહેવાની ભાવનગર ડિવિઝનના સીનીયર સેક્શન એન્જીનીયર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અને આ માટે રેલ્વે વિભાગ દ્વારા જેતપુર નગરપાલિકા, સીટી પોલીસ સ્ટેશન, જેતપુર એસ.ટી ડેપો તેમજ મામલતદાર જેતપુરને લેખીત જાણ કરવામાં આવી છે. જેથી ફાટક પાસેના દસેક વિસ્તારો, અસંખ્ય કારખાનાઓ તેમજ પાંચથી છ જેટલી સ્કૂલના વાહનોને ફરજીયાત છ થી સાત કિમી ફરીને જવાનું ઉપરાંત શાકભાજી, દૂધ વગેરેના ફેરીયાઓ સાતેક કિમી ફરીને રેકડી લઈને આવશે જ નહિ તે કારણે દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે પણ ફરીને જ જવું પડશે જેથી તંત્ર સામે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ ગઈ છે. અને રેલ્વે ટ્રેક પાસે કોઈ જગ્યાએ ડાયવર્જન તંત્ર કાઢી આપે તેવી માંગ કરી છે.


