Gujarat

શાળાઓમાં ગુજરાતી ભણાવવાનો કાયદો: સાપ મરશે નહિ અને લાકડી ભાંગશે નહિ..!! – પ્રો. હેમંતકુમાર શાહ. ગુ

મંતવ્ય. શાળાઓમાં ગુજરાતી ભણાવવાનો કાયદો: સાપ મરશે નહિ અને લાકડી ભાંગશે નહિ..!! – પ્રો. હેમંતકુમાર શાહ.
ગુજરાત સરકારે પ્રથામિક શાળાઓમાં ગુજરાતી ભાષા એક વિષય તરીકે ભણાવવા માટે જે વિધેયક વિધાનસભામાં રજૂ કર્યું છે તેને વિશે કેટલાક મુદ્દાઓ અહીંયા પ્રસ્તુત છે.
(૧) કાયદો કલમ-૩(૨) અનુસાર માત્ર ધોરણ-૩થી ધોરણ-૮ના પ્રાથમિક શિક્ષણને જ લાગુ પડે છે. એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને લાગુ પડતો નથી. એનો અર્થ એ છે કે આઠમા ધોરણ પછી બાળકને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી ભણાવવામાં નહિ જ આવે. વળી, તે પહેલા અને બીજા ધોરણને પણ લાગુ પડતો નથી! આ તો હદ થઈ ગઈ. આ તો પાકા ઘડે કાંઠા ચઢાવવાની વાત થઈ!
(૨) સરકાર આ કાયદો લાવી છે એનું કારણ વડી અદાલતનો આદેશ છે, તેને ગુજરાતી ભાષા પ્રત્યે કોઈ પ્રેમ છે એવું કશું છે જ નહિ. જો એમ હોત તો ધોરણ-૧૨ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત કરતો કાયદો કર્યો હોત. સરકારને એમ કરતાં રોકે છે કોણ?
(૩) સરકાર પોતે જ અંગ્રેજી ભાષાને પ્રોત્સાહન આપે છે. નરેન્દ્ર મોદીની સરકારે જ અંગ્રેજી ભાષા કોલેજોમાં શિખવવા માટે ખાસ સ્કોપ નામનો કાર્યક્રમ કરોડો રૂપિયાના ખર્ચે અમલમાં મૂક્યો હતો.
(૪) ગુજરાતમાં શિક્ષણનું જે ખાનગીકરણ થયું છે તેણે જ અંગ્રેજી ભાષાને પ્રાધાન્ય આપ્યું છે. હાલ ગુજરાતમાં આશરે ૪૪ લાખ બાળકો ખાનગી શાળાઓમાં અંગ્રેજી માધ્યમમાં છે. તેઓ આઠમા ધોરણ સુધી જ એક વિષય તરીકે ગુજરાતી ભાષા ભણે તો ગુજરાતી ભાષાનું ગૌરવ ઊભું થશે એમ માનવું એ ભ્રમ છે.
(૫) કાયદાની કલમ-૮માં ગુજરાતી ભાષા એક મહિના સુધી ન ભણાવતી શાળાને ₹ ૫૦,૦૦૦થી માંડીને ₹ ૨.૦ લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ છે. આ રકમ ઘણી જ ઓછી છે. મોટે ભાગે ગુજરાતી ભાષા નહિ ભણાવવાનું વલણ ખાનગી શાળાઓમાં જ છે કે જેઓ લાખો રૂપિયાની ફી ઉઘરાવી છે. તેમને માટે આ રકમ ખૂબ જ નાની છે.
(૬) કાયદામાં કલમ-૮(૩)માં સરકારી અધિકારીને ગુજરાતી ન શીખવતી શાળાને દંડમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આપવામાં આવી છે. એને પરિણામે તો ભ્રષ્ટાચાર વધી શકે છે. આવી વિવેકાધીન સત્તા અધિકારીને આપવાની શી જરૂર છે? આ તો સાપ મરે નહિ અને લાકડી ભાંગે નહિ એવો ઘાટ થયો!
(૬) કાયદાની કલમ-૮(૫) અને કલમ-૮(૬)માં શાળાને સુનાવણીની તક આપવાની અને ત્યાં સુધી દંડ ન કરવાની જોગવાઈ છે. એક વર્ષ પછી શાળાનું જોડાણ રદ કરવાની જોગવાઈ છે. એમ લાગે છે કે એક વર્ષનો સમયગાળો ઘણો લાંબો છે અને દંડની મર્યાદા તો ₹ ૨.૦ લાખ નક્કી છે. આમ, ખાનગી શાળાઓને બહુ મોટી છૂટ આપવામાં આવી છે.
(૭) વળી, જો શાળાનું જોડાણ એક વર્ષ પછી રદ કરવામાં આવે તો પણ એટલાં બાળકોને ગુજરાતી વિષય ભણવાનો લ્હાવો નહિ મળે.
(૮) હકીકતમાં તો જો ગુજરાતી ભાષાને જીવતી રાખવી હોય તો શાળાનું અને લગભગ બધું ઉચ્ચ શિક્ષણ ગુજરાતીમાં આપવાની જ વ્યવસ્થા થવી જોઈએ. પરંતુ આજે તો તબીબી અને ઇજનેરી શિક્ષણ સહિતનું ઉચ્ચ શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં અપાય તો જ વિકાસ થાય એવો ભ્રમ પ્રવર્તે છે. હકીકતમાં આર્થિક વિકાસ અને ભાષાને કોઈ સંબંધ છે જ નહિ. ગુજરાતનો વિકાસ દર ૧૯૬૦થી હંમેશાં લગભગ ભારતના સરેરાશ વિકાસ દર કરતાં વધારે જ રહ્યો છે. ગુજરાતી ભાષા કે ગુજરાતી માધ્યમ એમાં ક્યાંય નડ્યું જ નથી. યુરોપના UK સિવાય એક પણ દેશની ભાષા અંગ્રેજી નથી અને છતાં તેમની માથાદીઠ આવક ભારત કરતાં પાંચથી દસ ગણી વધારે છે. આ હકીકત જ એમ પુરવાર કરે છે કે ભાષા અને વિકાસ વચ્ચે કોઈ સહસંબંધ નથી.
(૯) ગુજરાત સરકારે પોતે પોતાના વહીવટમાં સંપૂર્ણપણે ગુજરાતી ભાષા જ વાપરવી જોઈએ. બંધારણ મુજબ ગુજરાતી પણ ભારતની અન્ય ભાષાઓની જેમ જ રાષ્ટ્રભાષા છે.
(૧૦) ગુજરાતની વડી અદાલત સહિતની તમામ અદાલતોમાં વહીવટ, અરજીઓ, દલીલો અને ચુકાદાની ભાષા ગુજરાતી બનવી જ જોઈએ. વડી અદાલત પોતે સરકારને ગુજરાતી ભાષા માટે આદેશ આપે છે અને તેનો પોતાનો વહીવટ તો અંગ્રેજીમાં ચાલે છે, એ એક વિચિત્ર વાસ્તવિકતા છે.
(૧૧) સરકાર પોતાના કર્મચારીઓ અને અધિકારીઓનું ગુજરાતી સુધરે એને માટે તાલીમના પ્રયાસો કરે અને એને માટે થોડાક કરોડ રૂપિયા ખર્ચાય તો વાંધો નહિ.
(૧૨) કમ-સે-કમ ગુજરાતીના શિક્ષકો અને અધ્યાપકોનું ગુજરાતી પણ પાક્કું થાય તે માટે સઘન પ્રયાસો કરવા જોઈએ. તેમને માટે તાલીમના કાર્યક્રમો કે ઓપ વર્ગો ગોઠવવા જોઈએ.
(૧૩) ગુજરાતી માધ્યમની તમામ શાળાઓ અને કોલેજોમાં તમામ વિષયો ભણાવતા શિક્ષકો અને અધ્યાપકોનું ગુજરાતી સારું થાય તેને માટે અભિમુખતા વર્ગોની આવશ્યકતા છે. તેને માટે પણ સરકારે થોડાક કરોડ રૂપિયા ખર્ચવાની જરૂર છે.
(૧૪) ખાનગી શાળાઓમાં ગુજરાતીના શિક્ષકોની નિમણૂક માટેની લઘુતમ લાયકાત જળવાય તે જરૂરી છે. એવું મંતવ્ય પ્રો.હેમંતકુમાર શાહે અતુલ શુક્લને જણાવ્યું હતું. ( સંકલન અતુલ શુક્લ દામનગર.)

IMG-20230228-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *