એકતાનગર સ્થિત શ્રેષ્ઠ ભારત ભવન ખાતે જિલ્લા વહિવટીતંત્રના અધિકારીશ્રીઓ અને અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિશ્રીઓ સાથે યોજાયેલો સંવાદ કાર્યક્રમ
—————
નર્મદાના ૫૦૦ થી વધુ ગામમાં ૨૧૫ સ્થાનિક બહેનો “સુપોષણ સંગીની” તરીકે કરી રહી છે કામગીરી
—————
ગુજરાત સરકાર અને અદાણી ફાઉન્ડેશન વચ્ચે “સુપોષણ પ્રોજેકટ” ના થયેલા
MOU હેઠળ ચાલી રહેલું અસરકારક અમલીકરણ
—————
:- નર્મદા જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમર કંપનીના સંયુકત પ્રયાસોથી તા.૦૧ જુલાઈ, ૨૦૧૮ થી “સુપોષણ” કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સંપૂર્ણ ભારત દેશમાં ૨૦ જેટલા વિસ્તારોમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણ વિષે જાગૃતિ લાવી તેમના જીવનસ્તરમાં સુધારો કરીને સરકારશ્રીની અનેકવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનો છે. અત્યાર સુધી પાંચ વર્ષથી નીચેની વયના ૪૨,૦૦૦ થી વધુ બાળકોને આ પ્રોજેક્ટ અંતર્ગત લાભાન્વિત કરવામાં આવ્યા છે.
નીતિ આયોગ દ્વારા ગુજરાત રાજયના નર્મદા જિલ્લાને એસ્પીરેશનલ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા વહિવટીતંત્રના રાહબરી હેઠળ જિલ્લાને ઇન્સપીરેશનલ બનાવવાના ઉમદા આશય સાથે અનેક સંસ્થાઓ પોતાની સરાહનીય કામગીરી કરી રહી છે. ગુજરાત સરકાર અને અદાણી ફાઉન્ડેશન હાલ સંયુક્ત ભાગીદારીથી જિલ્લામાં “સુપોષણ પ્રોજેકટ” નું MOU કરીને અસરકારક અમલીકરણ કરી રહયા છે. “સુપોષણ” પ્રોજેકટ અંતર્ગત કુપોષણ અને એનિમિયાને અટકાવવા વિવિધ જાગૃતિલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લાના પાંચ તાલુકાના ૫૦૦ થી વધુ ગામમાં જિલ્લાની ૨૧૫ બહેનો “સુપોષણ સંગીની” તરીકે સઘન કામગીરી કરી રહી છે.
નર્મદા જિલ્લામાં પ્રથમ તબક્કામાં સંગીની બહેનો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માહિતીના આધારે કામગીરીનું આયોજનબદ્ધ અમલીકરણની વ્યૂહરચના નકકી કરીને સરકારશ્રીની અનેકવિધ યોજના અને વિભાગો સાથે સંયુક્ત ભાગીદારીથી કામગીરી શરૂ કરી હતી. સુપોષણ સંગીની બહેનો સતત અને સક્રિય રીતે ગામના સરપંચશ્રી, આગેવાનો, વડીલો સહિત બહેનો સાથે મુલાકાત કરે છે. કુપોષિત બાળકોને ઓળખવા, કિશોરીઓ, સગર્ભા ધાત્રી સાથે મુલાકાત કરીને સલાહ પરામર્શ કરવો, જુથમાં જુદા-જુદા વિષયોથી વાકેફ કરવા, આંગણવાડી અને મમતા દિવસમાં અપાતી સેવાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવા સહિત બહેનો અને લાભાર્થીઓને સરકારશ્રીની અનેકવિધ યોજનાઓથી માહિતગાર કરી જાગૃત કરી લાભાન્વિત કરવા ગ્રામ્યસ્તરે આશા અને આંગણવાડી બહેનો કામગીરી કરી રહયા છે.
સરકારી વિભાગ દ્વારા યોજાતા મમતા દિવસમાં સુપોષણ સંગીની પોતાની મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. “સુપોષણ પ્રોજેકટ” અંતર્ગત સમુદાયમાં લોકજાગૃતિ માટે વિવિધ પ્રયોગો હાથ ધરાયા છે. સરકારશ્રીના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા આપવામાં આવતી ટી.એચ.આર (માતૃ શકિત) થી વિવિધ પોષણયુકત વાનગીઓ તૈયાર કરવાની પદ્ધતિ વિશે સંગીની બહેનો તાલીમ આપવાનુ કામ કરી રહી છે. આદીવાસી વિસ્તારમાં ખોરાકમાં વૈવિધ્યતા નહીવત હોય છે તેમજ દિવસમાં ખાવા માટેનો સમય માં વધારે અંતર જોવા મળે છે. એટલે માતા અને બાળકને જરૂરી પોષકતત્વો મળી રહેતા નથી. સુપોષણ સંગીની બહેનો સ્નેહ શિબિરમાં અતિ અને મધ્યમ કુપોષિત બાળકો માટે બાળશકિતમાંથી માતાઓની હાજરીમાં ૧૪ દિવસ સુધી વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. સંગીની પોતાના ઘરે જ વાનગીઓનું પ્રદર્શન કરે છે અને જરૂરી સામગ્રી ઉપરથી ઉમેરવા માટે અદાણી ફાઉન્ડેશન તરફથી કીટ આપવામાં આવે છે.
સુપોષણ સંગીની બહેનો અને સરકારશ્રીના સઘન પ્રયાસોથી સારા એવા પરિણામો મેળવી શકાયા છે એ આંકડાઓથી પુરવાર થાય છે. અત્યાર સુધી નર્મદા જિલ્લામાં ૪૨૪૦૫ બાળકોને પોષણના વિવિધ માપદંડના આધારે ચકાસણી કરવામાં આવી છે. એ પૈકી 3000 થી વધુ બાળકો અતિકુપોષિત મળી આવ્યા છે. 3000 પૈકી પણ ૧૬૦૦ જેટલા બાળકોને તો બાળ સંજીવની કેન્દ્રમાં વધુ દેખરેખ અને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધી ૨૩૦૮૬ બાળકોને કુપોષણમાંથી મુક્ત થઈ તંદુરસ્ત થયા છે. આ પરિણામો સરકારશ્રીના આઇ.સી.ડી.એસ., આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોને આભારી છે.
આ સંવાદકાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન સાથે સંકળાયેલી સંગીની બહેનો ગામમાં આગવી ઓળખ ઉભી કરે તેવા ઉમદા આશય સાથે તેઓને ટેબલેટ, વજન અને ઊંચાઇ માપવાના સાધનો ઉપલબ્ધ કરાવી પોષણ અને સ્વાસ્થ્ય વિષયક યોગ્ય માર્ગદર્શન પુરુ પાડી પોષણનના પ્રોજેક્ટમાં કામ કરવા સાથે વ્યક્તિગત વિકાસ કેળવી રહી છે.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતાનગરના શ્રેષ્ઠ ભારત ભવન ખાતે જિલ્લા વહિવટીતંત્રના અધિકારીશ્રીઓ, અદાણી વિલમાર, અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિશ્રીઓ સાથે યોજાયેલા સંવાદ દરમિયાન નર્મદા જિલ્લામાં ચાલતા “સુપોષણ પ્રોજેકટ” ની વિગતોથી વાકેફ કર્યા હતા. અદાણી વિલમારના સમગ્ર પ્રોજેકટ દરમિયાન સરકારશ્રીના દરેક વિભાગનો સતત સહયોગ અને માર્ગદર્શન મળતું રહે છે. સંસ્થા અને સરકાર સાથે મળીને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે તેનો અનુભવ નર્મદા જિલ્લામાં થયો હોવાનું અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિશ્રીઓએ વ્યક્ત કર્યો હતો.


