રોટી, કપડા ઔર મકાન માણસની પ્રાથમિક જરૂરિયાતો પૈકીની મુળભૂત જરૂરિયાતો છે. એમાં પણ રોટીની ચિંતા કરોડપતિથી માંડીને રોડપતિ સુધીના તમામ લોકોને એક યા બીજી રીતે સતાવતી જ હોય છે. પરંતુ જો રોટીની જવાબદારી સરકાર ઉપાડી લે તો એનાથી વિશેષ માણસને શું જોઇએ?
મિત્રો, દેશના લાખો પરિવારો એવા છે કે, જેમને બે ટંક પુરતું ખાવાનું મળી રહે એ માટે સરકાર સતત ચિંતા કરે છે. રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા ધારો દેશમાં કોઇ પણ વ્યક્તિ ભુખ્યો ન રહે એ સુનિશ્ચિત કરતો કાયદો છે. રાષ્ટ્રીય ખાદ્યન્ન સુરક્ષા ધારા હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે રાશનકાર્ડ હોવું જરૂરી છે.
અહીં આપણે સંવેદનશીલ સરકારની પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા વાત કરવાના છીએ કે કેવી રીતે એક અરજી કરીને તત્કાળ રાશનકાર્ડ મેળવી રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા ધારાના સુરક્ષા કવચ હેઠળ પોતાની રોટીની ચિંતામાંથી મુકત થાય છે.
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં કાદુભાઇ સનાભાઇ નાયકાનો પરિવાર રહે છે. તેમના પરિવારમાં અગિયાર સભ્યો છે. મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા કાદુભાઇ પાસે NFSA પ્રમાણેનું રાશનકાર્ડ ન હોવાને કારણે તેઓ નેશનલ ફુડ સિકયુરીટી એકટ હેઠળ અનાજનો જથ્થો પણ મેળવી શકતા ન હતા.
કાદુભાઇ નાયકા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્રો અને પુત્રવધુઓ સૌરાષ્ટ્રમાં બાગમાં માળી તરીકે કામ કરવા જાય છે. એટલો મોટો પરિવાર છે માટે ઘર ચલાવવું ખુબ મુશ્કેલ થઈ પડે છે. તેમની પાસે જુનો રેશન કાર્ડ હતો જે નવી NFSA પ્રમાણે ન હોવાથી તેમને મહિનાનું રાશન મળતું ન હતું. પરિવારના મોટાભાગના લોકો સૌરાષ્ટ્ર હોવાથી તેઓ નવા રેશનકાર્ડ માટે અરજી કરી શકતા ન હતા.
આ દરમિયાન તેમના ગામના સરપંચે તેમને માહિતી આપી કે, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી આપવામાં આવે તો ઝડપથી રેશનકાર્ડ મળી જશે જેથી તેમણે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. તાલુકા સ્વાગત કાર્યક્રમામાં કાદુભાઇની રેશનકાર્ડ અંગેની અરજી મંજૂર થતાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના હસ્તે તેમને નવું બારકોડેડ રેશનકાર્ડ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કલેકટરે તેમને જણાવ્યું હતું કે, ઘરમાં ૧૧ પરિવારજનો હોવાથી ૫૫ કિલો ઘઉં અને ૫૫ કિલો ચોખા પ્રત્યેક મહીને મળશે, તેમજ દાળ, ખાંડ અને ચણા રાહતદરે દર મહીને મળશે. સરકારની આ ખાદ્ય સુરક્ષા અંગેની નીતિને લીધે આજે કાદુભાઈ જેવા લાખો પરિવારજનોની જઠરાગ્ની શમી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
