નર્મદા
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બલ ગામે કાચા ઘરોમાં અચાનક આકસ્મિક આગ લાગતા ત્રણ જેટલા ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. બપોરેના સમયગાળા દરમિયાન (૧). ઉબડીયાભાઈ ટીડીયાભાઈ (૨). રીતેશભાઈ ઉબડીયાભાઈ (૩). દિનેશભાઈ રૂપસિંગભાઈ વસાવા તમામના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખા ઘર સહિત બાજુના ઘરને ચપેટમાં લઈ લીધું હતું. વિકરાળ આગને પગલે ઘરોમાં મુકેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગયી હતી. મહા મહેનતથી બનાવેલા ઘરમાં આગ લાગવાથી પરિવાર આક્રંદ કરવા લાગ્યું હતું. ચાર કલાક બાદ ફાયર ફાઈટરની ગાડી રાજપીપળાથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યાં સુધી તમામ ઘર તેમજ ઘરવખરી બળીને ખાખ થઈ ગયું હતું. ૩૦૫ જેટલા ગામડાંઓ ધરાવતા ડેડીયાપાડા તાલુકામાં છાસવારે બનતી આગ લાગવાની ઘટનાઓમાં ફાયર ફાઈટરની સુવિધા ડેડીયાપાડા ખાતે ન હોવાને કારણે મોટું નુકસાન થાય છે. ફાયર ફાયટરની સુવિધા ઉપલબ્ધ કરવાની તીવ્ર માગ ઉઠી છે. ધારાસભ્ય ચૈતર વસાવા ઘટનાસ્થળ પર જઈ પરિવજનોને મળ્યા હતા તેમજ તેમને આશ્વાસન આપ્યું હતું. તેમજ વહીવટી તંત્રને સહાય માટેની જરૂરી સૂચનાઓ આપી હતી અને ફૂલ નહિ તો ફૂલની પાંખડી દ્વારા મદદ કરીશું એમ આવ્યાસન આપ્યું હતું.


