સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગતરોજ સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ આઈ. ટી.આઈ શૈક્ષણિક સંસ્થામાં નિયામક શ્રી ગ્રાહક બાબતો, ગુજરાત સરકાર પ્રેરિત અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા આયોજિત વિશ્ર્વ ગ્રાહક દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રાહક જાગૃતિ સંદર્ભે સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણી, રવિભાઈ મહેતા અને બિપીનભાઈ પાંધીએ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંદર્ભે તલસ્પર્શી માહિતી આપી હતી. ખાસ કરીને સ્વચ્છ ઉર્જા માટે ગ્રાહક તરીકે આપણું યોગદાન શું હોવું જોઈએ તેની પણ વિદ્યાર્થીનીઓને વકતાઓ દ્વારા સવિસ્તર સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આ સંસ્થાના વિદ્યાર્થીઓએ ખૂબ જ શાંતિ જાળવી હતી. અને તમામ વકતાઓને રસપૂર્વક સાંભળ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈટીઆઈના શૈક્ષણિક કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સેમિનારનાં અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંદર્ભે માહિતી આપતા પેમ્પેલેટનું વિતરણ પણ કરવામાં આવેલ.


