અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન. ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલ ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્ષ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું. તેમજ સરકારશ્રીએ નક્કી કરેલ ટોલટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તે અંગેનું કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને તે બાદ જ ટોલનાકુ પસાર કરવું.
વિશેષમાં ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલ જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ શકે તેવો કોઈ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર આગામી તા. ૨૨/૦૩/૨૦૨૩ સુધી પ્રતિબંધ ફરમાવેલ છે.
આ પ્રતિબંધાત્મક હુકમનો ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાંઓથી જે વાહનોને ટોલટેક્ષ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાંની જોગવાઈ લાગુ પડશે નહિ તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
