સુરત
સુરતના સરથાણા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા માટે ગયેલી પાલિકાની ઢોર નિયંત્રણ વિભાગની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટીમના એક વ્યક્તિને આંખમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાદમાં ઇજાગ્રસ્તને સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર મામલે સરથાણા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના ઢોર નિયંત્રણ વિભાગમાં આનંદ પટેલ પણ ફરજ બજાવે છે. આનંદ પટેલ નિત્યક્રમ મુજબ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરના નિયંત્રણ માટેની કામગીરી કરવા પાલિકાના સ્ટાફ સાથે સુરતના સરથાણા વિસ્તારમાં ગયા હતા. અહીં આવેલા સરદાર ફાર્મ નજીક રખડતા પશુને પકડવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી હતી. જે દરમિયાન પશુને પકડવાની કામગીરી વખતે ત્યાં ધસી આવેલા પશુપાલકોએ જીભાજાેડી કરી હતી. સાથે જ ઝપાઝપી કરી પશુને છોડવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.આ સમયે એક પશુપાલક હાથમાં લાકડાનો ફટકો લઈ આવી પહોંચ્યો હતો અને હુમલો કરી દીધો હતો. જે ઘટનામાં આનંદ પટેલને આંખના ભાગે ઇજા થતાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદના આધારે સરથાણા પોલીસે પશુપાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


