Gujarat

કપાસનાં પાકમાં અસ્તવ્યસ્ત પધ્ધતિથી ૧૦૦ ફૂલ-ભમરી- જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો  

કપાસના પાકમાં મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮ ફૂદાં પકડાય તો કીટનાશકનો છંટકાવ કરવો જરૂરી બને છે.

      ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. કપાસનાં પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પધ્ધતિથી ૧૦૦ ફૂલ-ભમરી- જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવાનો રહે છે.

       દવાઓનો છંટકાવ કરતા પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ-ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. ગુલાબી ઇયળના ઉપદ્રવ શરૂ  થયેથી બીવેરીયા બાસીયાનો ૨૫ કિલો/હે.  પ્રમાણે  છંટકાવ કરવો.

કપાસના પાકમાં ફુલભમરી તથા  જીંડવાની શરૂઆત થયે હેક્ટરે ૧.૫ લાખ  ટ્રાયકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે ૫  વખત  અને  ડિસેમ્બરના પ્રથમ અને  બીજા અઠવાડિયામાં હેક્ટરે ૧૦ હજાર  પ્રમાણે લીલી પોપટી(ક્રાયસોપા) ની  ઇયળો  છોડવાથી જૈવિક નિયંત્રણ  કરી શકાય છે.

      નિયંત્રિત પિયતથી આ જીવાતનો ઉપદ્રવ વધતો અટકાવી શકાય. ક્ષમ્યમાત્રાને અનુસરી ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૦૪ મિ.લિ. અથવા આલ્ફાસાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૦૩ મિ.લિ અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૦૩ ગ્રામ  અથવા ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૧૬% + આલ્ફાસાયપરમેથ્રીન ૧% ઇસી ૧૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુ.પી. ૧૦ ગ્રામ કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો જોઈએ.

     આ અંગે વધુ જાણકારી માટે સબંધિત વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે, તાલુકા અમલીકરણ  અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી,  નાયબ ખેતી નિયામક (વિ.), નાયબ ખેતી નિયામક (તાલીમ),  અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *