મહેસુલ વિભાગના નાયબ સચિવ એ.કે. ઉપાધ્યાયે બાળકોને ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં કરાવ્યો શાળા પ્રવેશ.
કપડવંજ તાલુકાની નવા બોભા પ્રાથમિક શાળામાં શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. મહેસુલ વિભાગના નાયબ સચિવ એ.કે.ઉપાધ્યાયે બાળકોને ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવ્યો હતો.
નવા બોભા પ્રાથમિક શાળામાં આંગણવાડીના ૨ કુમાર અને ૨ કન્યા,બાલવાટિકામાં ૭ કુમાર અને ૧૧ કન્યા તેમજ ધોરણ-૧ માં એક કુમાર સહિત કુલ ૨૩ બાળકોનું શાળાના આંગણે સ્વાગત કરી કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો.
નાયબ સચિવ ઉપાધ્યાયે દરેક બાળકને ઉચ્ચ શિક્ષણ આપવાનો વાલીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે,કોઈપણ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે.પ્રવેશ લેનાર બાળકો પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષણ મેળવે તે જોવા તેમણે શિક્ષકોને ભાર પૂર્વક જણાવ્યું હતું. તેમણે શાળાની સ્વચ્છતા,શાળા દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રકૃતિ પ્રોજેક્ટની સરાહના કરી શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.
ઉપાધ્યાયના હસ્તે ધો.૩ થી ૮ માં પ્રથમ આવનાર બાળકોનું સન્માન કરવા સાથે જ્ઞાનસેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર શાળાની વિદ્યાર્થીની નેહા ચૌહાણનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.બાળકોને શૈક્ષણિક કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
પરેશ રાવલે પ્રવેશ પાત્ર બાળકોને દફતર ભેટ આપ્યા હતા તો નવા બોભા દૂધ મંડળી દ્વારા બાળકોને મીઠાઈ અને કીટ અર્પણ કરવામાં આવી હતી.બળવંતસિંહ ચૌહાણ દ્વારા મંડપ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો. ૬ ની બાળા વિલાસે કર્યું હતું. કાર્યક્રમ બાદ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે નાયબ મામલતદાર બી.પી.પટેલ, સી.આર.સી કંદર્પ જોષી, રમેશભાઈ ચૌધરી, સરપંચ વજીબેન ચૌહાણ,એસ.એમ.સી. અધ્યક્ષ મહેશ ચૌહાણ, એસ.એમ.સી ના સભ્યો, ગ્રામજનો, માતાઓ, યુવાનો અને વાલીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય, શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.


