Gujarat

બુદ્ધિમાન સાધુ

એક રાજમહેલના દ્વાર ઉપર એક સાધુ આવે છે અને દ્વારપાળને કહે છે કે રાજ્ય દરબારમાં જઇને રાજાને કહો કે તેમના ભાઇ તેમને મળવા માટે આવ્યા છે.દ્વારપાળે વિચાર્યું કે રાજાના કોઇ દૂરના સબંધના કોઇ ભાઇ હશે જે સંન્યાસ લઇને સાધુ જીવન જીવતા હશે..! સાધુના આગમનની સૂચના મળતાં રાજા હસે છે અને સાધુને માન સહિત અંદર લઇ આવવા કહે છે અને સાધુને પોતાની પાસે બેસાડે છે.

સાધુ કહે છે કે બોલો અનૂજ ! કેવા હાલ-ચાલ છે તમારા?

ત્યારે રાજા કહે છે કે હું તો મઝામાં છું, આપ કેમ છો ભાઇ?

સાધુ કહે છે કે જે મહેલમાં હું રહેતો હતો તે જુનો અને જર્જરીત થઇ ગયો છે.ગમે ત્યારે તૂટીને પડી જાય તેમ છે.મારા બત્રીસ નોકરો હતા તે પણ એક-એક કરીને ચાલ્યા ગયા છે.મારી પાંચ રાણીઓ પણ વૃદ્ધ થઇ ગઇ છે જેથી તેમની પાસેથી કોઇ કામ લઇ શકાય તેમ નથી.આ સાંભળીને રાજાએ સાધુને દશ સોનાના સિક્કા આપવાનો આદેશ કરે છે.સાધુએ આ દશ સિક્કાની સેવા ઓછી પડે છે તેમ કહ્યું ત્યારે રાજા કહે છે કે આ વર્ષે દુકાળ પડ્યો છે એટલે આપ આટલાથી સંતોષ કરી લો.

સાધુએ કહ્યું કે મારી સાથે સાત સમંદર પાર ચાલો ત્યાં સોનાની ખાણો છે.મારો પગ પડતાં જ સમુદ્ર સુકાઇ જશે.મારા પગની શક્તિ તો આપ જોઇ ચુક્યા છો ! પુનઃ રાજાએ સાધુને સો સોનાના સિક્કા આપવાનો આદેશ કર્યો.સાધુના ગયા પછી મંત્રીઓને નવાઇ લાગે છે તેથી રાજાને પુછે છે કે રાજાજી માફ કરજો ! પરંતુ અમારી જાણકારી મુજબ આપનો કોઇ મોટો ભાઇ નથી તો પછી આ ઠગને આટલું બધું ઇનામ કેમ આપ્યું?

રાજાએ સમજાવ્યું કે જુવો ! ભાગ્યના બે પ્રકાર હોય છેઃરાજા અને રંક. આ સબંધે તેમને મને ભાઇ કહ્યો હતો. જે જુના અને જર્જરીત મહેલની વાત તેમને કરી હતી તે તેમના વૃદ્ધ શરીરની વાત કરતા હતા. બત્રીસ નોકર તેમના દાંત હતા અને પાંચ વૃદ્ધ રાણીઓ તેમની પાંચ ઇન્દ્રિયો છે.સમુદ્રના બહાને સાધુએ મને ઠપકો આપ્યો હતો કે રાજમહેલમાં તેમના પગલાં પડતાં જ મારો રાજકોષ સૂકાઇ ગયો કારણ કે મારી હેસિયત સાધુને સો કરતા વધુ સોનાના સિક્કા આપવાની હોવા છતાં મેં તેમને ફક્ત દશ સોનાના સિક્કા જ આપ્યા હતા એટલે સાધુની બુદ્ધિમત્તાથી પ્રસન્ન થઇને મેં તેમને સો સિક્કા આપ્યા અને કાલથી હું તેમને મારા સલાહકાર નિયુક્ત કરીશ.

આ બોધકથામાંથી આપણે એ બોધ લેવાનો છે કે કોઇપણ વ્યક્તિના બાહ્ય રંગ-રૂપથી તેમની બુદ્ધિમત્તાનો અંદાજ લગાવી શકાતો નથી.કોઇએ ખરાબ કપડા પહેર્યા હોય કે તેમનો દેખાવ સારો ના હોય તેનાથી તેમના વિશે ખરાબ વિચાર ના કરવો જોઇએ.

જો આપણે ભોગોનો ત્યાગ ના કરી શકીએ તો વાંધો નથી તેને દુઃખરૂપ સમજીને તેની નિંદા કરતાં કરતાં તેને ભોગવીએ.ભોગોને ભોગવતી વખતે તેને સારા ના સમજીએ.તેને ના-પસંદ કરીશું તો તેનાથી છુટકારો મળી શકશે.ભોગોના પરવશ બનીને તેનાથી દબાઇ ના જવું. ફક્ત એટલું યાદ રાખો કે અમે રહેવાવાળા છીએ અને તે અવવા-જવાવાળા છે.આપ આ મુજબ કરી જુવો.શું આ સાધન કઠીન છે?

ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૨/૧૬)માં કહે છે કે અસતની સત્તા વિદ્યમાન નથી અને સતનો અભાવ વિદ્યમાન નથી.તત્વજ્ઞાની પુરૂષોએ આ રીતે બંન્નેયના તત્વનો અનુભવ કર્યો છે. શરીર જન્મ પહેલાં પણ નહોતું મૃત્યુ પછી પણ નહી રહે અને વર્તમાનમાં પણ એનો ક્ષણ-પ્રતિક્ષણ અભાવ થઇ રહ્યો છે.સંસાર માત્ર કાળરૂપી અગ્નિમાં લાકડાની માફક સળગી રહ્યો છે.

જે સત વસ્તુ છે તેનો અભાવ હોતો નથી એટલે કે જ્યારે દેહનો જન્મ થયો ન હતો ત્યારે પણ દેહી (આત્મા) હતો.દેહ નષ્ટ થયા પછી પણ દેહી રહેશે અને વર્તમાનમાં દેહના પરીવર્તનશીલ હોવાછતાં દેહી તેમાં જેમ છે તેમ જ રહે છે.એવી જ રીતે જ્યારે સંસાર ઉત્પન્ન નહોતો થયો તે સમયે પણ પરમાત્માતત્વ હતું. સંસારનો અભાવ થવા છતાં પણ પરમાત્માતત્વ રહેશે અને વર્તમાનમાં સંસાર પરીવર્તનશીલ હોવા છતાં પણ પરમાત્માતત્વ તેમાં જેવું છે તેવું જ રહે છે.સંસાર (શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ)ની સહાયતા વિના ચેતન સ્વરૂપ કંઇ કરી શકતું નથી.આનાથી સિદ્ધ થાય છે કે ક્રિયા માત્ર સ્વરૂપમાં નહી પરંતુ સંસારમાં જ છે..સ્વરૂપનો ક્રિયા સાથે કોઇ સબંધ નથી.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *