રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા
ગાંધીનગર,
સાંપ્રદાયિક સદભાવ અભિયાન સપ્તાહ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રમાં સાંપ્રદાયિક સદભાવની ભાવના વધુ મજબૂત બને એવા ઉદ્દેશ સાથે તા. ૧૯ થી ૨૫ નવેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં સાંપ્રદાયિક સદભાવ અભિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સૌ સભ્યોને શપથ લેવડાવ્યા હતા.
સૌએ રાષ્ટ્રીય અખંડતાના શપથ લીધા હતા કે ‘હું સત્ય નિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉં છું કે, દેશની આઝાદી અને અખંડતાના જતન માટે અને તેને વધુ સુદ્રઢ બનાવવા માટે હું સમર્પિત ભાવથી મારું કર્તવ્ય નિભાવીશ.
હું એવી પ્રતિજ્ઞા પણ લઉં છું કે, હું ક્યારેય હિંસાના માર્ગે જઈશ નહીં. તથા ધર્મ, ભાષા કે ક્ષેત્ર સંબંધિત ભેદભાવ સંઘર્ષ કે અન્ય રાજનૈતિક કે આર્થિક ફરિયાદોનું નિવારણ શાંતિપૂર્ણ તથા સંવૈધાનિક રીતે લાવવાના પ્રયત્નો કરીશ.’
રાજભવન પરિસરમાં રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, એડીસી શ્રી વિકાસ સુન્ડા તથા તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય અખંડતાના શપથ લીધા હતા.

