કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ સમાજ સુરક્ષા હેઠળની જુદી-જુદી સમિતિઓની બેઠક યોજી, સમાજના જરૂરિયાતમંદ, અશક્ત, દિવ્યાંગો વગેરે માટેની કેન્દ્ર -રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મળતા લાભોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે જ લોકોને આ જનકલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ મળે તે સુનિશ્ચિત કરવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરશ્રીએ દિવ્યાંગ બાળકોમાં પ્રારંભથી એટલે કે, શિક્ષણ કાર્ય દરમિયાન જ આત્મવિશ્વાસનું નિર્માણ થાય તે માટે બાળકોમાં રહેલી ખૂબીઓ ઉજાગર કરવા જુદી-જુદી રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવા અને દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
ઉપરાંત વિશેષ સિદ્ધિ હાંસલ કરેલ દિવ્યાંગોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વૃદ્ધ તથા નિરાધાર વૃદ્ધ પેન્શન, નેશનલ ડિસેબિલિટી પેન્શન, મનોદિવ્યાંગ પેન્શન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય પેન્શન જેવી પેન્શન યોજનાઓ ઉપરાંત પાલક માતા-પિતા, સંત સૂરદાસ વગેરે જનકલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ જિલ્લામાં પાત્રતા ધરાવનાર લોકો આ યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત લોકોને આ યોજનાઓનો સરળતાપૂર્વક લાભ મળે અને અસરકારક અમલવારી થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
નેશનલ ટ્રસ્ટ એક્ટ-૧૯૯૯ હેઠળની બેઠકમાં ૩ મનોદિવ્યાંગ વ્યક્તિના વાલીપણાંના સર્ટી મંજુર કરવામાં આવ્યા હતાં. તેમજ નિરામયા હેલ્થ યોજના અન્વયે દરેક પાત્રતા ધરાવતા મનોદિવ્યાંગનો સમાવેશ કરવા કલેકટરશ્રીએ નિર્દેશ આપ્યા હતા.
પ્રોબેશન ઓફ ઑફેન્ડસ એક્ટ -૧૯૫૮ હેઠળની સમાજ સુરક્ષા કચેરીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. જેમાં જેલમાં રહેતા કેદીઓના કુટુંબને કેદી સહાય યોજના અને અન્ય સરકારી યોજનાઓના લાભ મળે તેમજ જેલમાંથી મુક્ત થતા કેદીઓ માટે રોજગારીની તકો મળે તે માટે આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકોમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી રામાણી, જિલ્લા શિક્ષણધિકારી શ્રી વાઢેર, મહિલા અને બાળ અધિકારી શ્રી ભિંભા, રોજગાર અધિકારી શ્રી પ્રશાંત ત્રિવેદી, સેવાકીય સંસ્થાના સંચાલક – પ્રતિનિધિ સહિતના સંબંધિત કમિટીની બેઠકમાં સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

