Gujarat

ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા રાજ્ય અનામત પોલીસ દળના જવાનો તેમજ તેમના પરિવારજનો માટે મગોડી ખાતે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરની જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા મગોડી ખાતે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ૧૨ના સહયોગથી જુથના જવાનો અને તેમના પરિવારજનો માટે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ કેમ્પમાં રોગ પ્રમાણે યોગ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, બાળ રોગ, સ્ત્રી રોગ, જરા ચિકિત્સા, જનરલ આયુર્વેદ અને જનરલ હોમીયોપેથી ઓપીડીમાં સારવાર આપવામાં આવી હતી.
આ પ્રસંગે એસ. પી. ફાલ્ગુનીબેન પટેલે જવાનોની તણાવ ભરી જિંદગી, વેગ વિધરણ અને અનિયમિત ખાનપાનથી થતા રોગોથી રક્ષણ માટે આયુર્વેદ અને યોગથી બચી શકાય તેમ છે તેમ જણાવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ભાવનાબેન પટેલે આયુષની પાંચ ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યૂનાની, સિદ્ધ તથા હોમીયોપેથી વિશે સમજૂતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે આયુર્વેદ અને યોગ એ ભારતની પ્રાચીન મહાન વિરાસત છે. આયુર્વેદ અને યોગથી શરીરને નિરોગી રાખી શકાય છે તથા રોગ થયા બાદ પણ આડઅસર સિવાય સ્વસ્થ રહી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોમીયોપેથી પણ આડઅસર રહિત સારવાર પદ્ધતિ છે. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત જવાનો અને તેમના પરિજનોને કેમ્પમાં ઉપલબ્ધ સારવાર લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત નજીકના આયુર્વેદ દવાખાના અને હોમીયોપેથી દવાખાનાનો લાભ લેવા જણાવ્યું હતું. આયુષ કેમ્પની આઇ.જી સાહેબે પણ મુલાકાત લીધી હતી તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીને જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવા આગ્રહભરી વિનંતી કરી હતી. કેમ્પમાં જવાનોનું પ્રકૃતિ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આયુષ કેમ્પમાં આયુષ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જેને જવાનો અને તેમના પરિજનોએ નિહાળીને આયુષ વિશેની માહિતી મેળવી હતી.
કાર્યક્રમમાં એસ. પી. ફાલ્ગુની બેન પટેલ, ગાંધીનગરના જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ભાવના પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શનાભાઈ પટેલ, ડી.વાય.એસ.પી. દરજી સાહેબ અને વ્યાસ સાહેબ તથા જવાનો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-Ex-01-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *