અમદાવાદ
બેફામ ચાલતા ડમ્પરના કારણે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાતના સમયે એક સાયકલ ચાલક નારણપુરાથી જઈ રહ્યો હતો. ત્યારે ડમ્પર ચાલકે ટક્કર મારતા સાયકલ ચાલકને માથામાં ઇજા પહોંચી હતી. જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા રામનિવાસ યાદવ ઇસ્કોનથી સાયકલ લઈને રાતના સવા બાર વાગે મેઘણીનગર આવી રહ્યા હતા. ત્યારે નારણપુરા પહોંચતા ડમ્પર ચાલક બેદરકારી પૂર્વક સ્પીડમાં ડમ્પર લઈને આવી રહ્યો હતો. જેને રામનિવાસ યાદવને ટક્કર મારતા માથાના ભાગે ઇજા થઇ હતી. ડમ્પર ચાલક અકસ્માત થતા ત્યાંથી નાસી ગયો હતો. આસપાસના લોકોઈ ૧૦૮ને જાણ કરીને રામનિવાસને સારવાર માટે સોલા સિવિલ ખસેડયા હતા. સોલા સિવિલમાં રામનિવાસને માથામાં ઇજા થતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ મામલે તેમના ભત્રીજા શૈલેન્દ્રને જાણ કરતા સોલા સિવિલ પહોંચી બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


