Gujarat

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો નાગરિકોને લાભ આપવા જિલ્લાભરમાં કેમ્પ યોજાશે

જૂનાગઢ જિલ્લામાં નાગરિકોને વિમાના સુરક્ષા કવચ હેઠળ આવરી લેવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ બેંકોની જિલ્લા સલાહકાર સમિતિની બેઠકમાં નજીવા પ્રીમિયમ દરે નાગરિકોને વીમા ઉપલબ્ધ કરાવતી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ આપવા માટે જિલ્લાભરમાં કેમ્પ યોજવા માટે નિર્દેશ આપ્યાં હતા.

કલેક્ટરશ્રીએ ઉપલબ્ધ ડેટાના આધારે અને યોજનાબદ્ધ રીતે નાગરિકોને વિમા યોજનાઓનો લાભ મળે તે દિશામાં આયોજન ઘડવા માટે પણ સૂચના આપી હતી. સમગ્ર જિલ્લામાં તા.૫મીમેથી થી તા.૩૦મી જૂન સુધી આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર રૂપિયા ૪૫૬માં રૂપિયા ચાર લાખનું વીમો આપે છે. જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ માત્ર વાર્ષિક રૂ. ૪૩૬નું પ્રીમિયમ છે. જેનો ૧૮ થી ૫૦ વર્ષના લોકો લાભ મેળવી શકે છે. આ યોજના હેઠળ કોઈપણ રીતે મૃત્યુના કિસ્સામાં નોમીનીને રૂપિયા બે લાખ મળવાપાત્ર છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમીયમ માત્ર રૂ. ૨૦ છે. જેમાં ૧૮ થી ૭૦ વર્ષના લોકોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં રૂ. બે લાખનો વીમો મળવાપાત્ર છે. આમ, ભારત સરકારની આ વીમા યોજનાઓ જનસમાન્યને એક આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

આ ઝુંબેશમાં ગ્રામ પંચાયતોના સહયોગથી સંબંધિત બેન્કો દ્વારા કેમ્પ યોજવામાં આવશે. જેમાં નાગરિકો-ગ્રામજનોએ બેંક પાસબુક અને આધાર કાર્ડ આપવાથી અને પ્રીમિયમ ચૂકવીને આ યોજનાનો લાભ મેળવી શકશે. ઉપરાંત જે બેંકમાં ખાતુ છે તેમાં અને કસ્ટર સર્વિસ પોઈન્ટ ખાતે પણ નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર શ્રી પી. જી. પટેલ, લીડ બેંકના મેનેજર પ્રશાંત ગોહિલ, નાબાર્ડના ડીડીએમ શ્રી કિરણકુમાર રાઉત, એફએમસી શ્રી દિલીપ છુગાણી સહિત જિલ્લાભરની રાષ્ટ્રીયકૃત, સહકારી અને ખાનગી બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *