૭૪માં વન મહોત્સવ હેઠળ જૂનાગઢ જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઔષધીય,ફળાવ, છાયાદાર સહિતના ૧૨.૭૯ લાખ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. તેનું આગામી સમયમાં જિલ્લાની જુદી -જુદી નર્સરી ખાતેથી વિતરણ શરૂ કરવામાં આવશે.
આ સંદર્ભે આરએફઓ એલ. એચ. સૂત્રેજાએ જણાવ્યું કે, જિલ્લાના દરેક તાલુકામાં રોપા ઉછેર કેન્દ્રમાં ૧૨.૭૯ લાખ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. આ વિતરણ માટે વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ તૈયાર કરાયેલા રોપાઓમાં નીલગીરી, અરડૂસી, લીમડો, દેશી બાવળ, બંગાળી બાવળ, સાગ, ફળાવ, ફૂલછોડ તુલસી વગેરેના રોપાઓનો સમાવેશ થાય છે. જેનું લોકો ઉત્સાહપૂર્વક વાવેતર કરે છે.
વૃક્ષારોપણની પાવન કામગીરીને વ્યાપક, અસરકારક, સાર્વત્રિક અને લોકભોગ્ય બનાવવાના ઉદ્દેશથી પ્રતિવર્ષ વન મહોત્સવ યોજાઈ છે. જેથી વધુને વધુ સામાજિક વનીકરણ થઈ શકે. જેમાં ખેડૂતો, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ ઉદ્યોગકારો દ્વારા વધુને વધુ ભાગીદારી ખૂબ અગત્યની છે. વન વિભાગ દ્વારા કેટલાક રોપાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો કેટલાક ટોકન દરે વિતરણ કરવામાં આવે છે. થેલીની સાઈઝ મુજબ ભાવો નક્કી થતા હોય છે. આ રોપાના ભાવ રૂ. ૨ થી લઈને ૧૦૦ સુધીના હોય છે. ઉપરાંત રોપાને ઉછેરવા અને તેની જાળવણી માટેનું માર્ગદર્શન પણ વન વિભાગ દ્વારા આપવામાં આવે છે તેમ શ્રી સુત્રેજાએ ઉમેર્યું હતું


