Gujarat

સાવરકુંડલા કાંટા(ત્રાજવાં) નાં શહેરમાં ટાવરના કાંટા હાંફી ગયાં.. જાણે સમય થંભી ગયો.. નવયુગની વાતો થાય પરંતુ સમયનાં ચક્રને આ ટાવરમાં કાર્યાન્વિત કરવા હવે તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી થાય એ પણ સમયની માંગ છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
હા, આમ તો આ સાવરકુંડલા શહેરના કાંટા(ત્રાજવાં) જગ પ્રસિદ્ધ છે. સમયનાં ત્રાજવે તોળીને ચાલતું આ નગર શ્રમજીવીઓનાં પરસેવે રેબઝેબ થઈ જાય છે અને ત્યારે આ શહેરની ત્રાજવાંની હુન્નર કલા જગ પ્રસિદ્ધ થાય છે. આમ તો અંગ્રેજી સભ્યતાના પ્રભાવ હેઠળ આપણાં દેશમાં પણ સમયને દર્શાવતી ટાવરવાળી ઈમારતો અસ્તિત્વમાં આવી હતી. અંગ્રેજોની સમય પાલન વિશ્ર્વ પ્રસિદ્ધ છે. અને તેનાં અનુસંધાને ભારતમાં પણ તેનું અનુકરણ કરવાની શરૂઆત અંગ્રેજ કાળથી શરૂ થઈ. લોકોને સમયપાલન અને સમયસૂચકતાનાં પાઠ ભણાવવા માટે ભારતનાં મોટાભાગનાં શહેરોમાં સયમ દર્શાવતાં ઊંચા અને મોટા ટાવર ઘડિયાળો બાંધી અને ભારતીય જનતામાં સમયની મહત્તા સમજાવવામાં આવી.
આમ પણ આઝાદી કાળથી ભારત દેશનો એક મોટો સમૂહ ગરીબી અને નિરક્ષરતાંમાં જ જીવન પસાર કરી રહેલ છે. આવા લોકોના સમય સાચવવા માટે આવા ટાવર ઘડિયાળ સમય સાથે ચાલવાનો એક નવો રાહ ચીંધતાં. સાવરકુંડલામાં શહેર સુધરાઈ માર્કેટ લગભગ આઝાદી કાળની આરંભમાં બંધાણી શહેરનાં લોકોને એક જ વિસ્તારમાં વિવિધ પ્રકારના ધંધા રોજગારની તકો મળી. આમ એક સંવત ૨૦૦૮ માં ઘડિયાળનાં ટાવર સમેત એક અદ્યતન શોપિંગ માર્કેટ શહેર સુધરાઈ દ્વારા નિર્માણ પામી. લોકો પોતાની કાંડાઘડિયાળનાં કાંટાં આ ટાવર ઘડિયાળમાં જોઈને મેળવતાં પણ હાય રે, નસીબની બલિહારી!! આ સમય દર્શાવતાં ઘડિયાળનાં કાંટાં જ હાંફીને થંભી ગયા. જાણે સમય સુધરાઈની શાસનવ્યવસ્થામાં કેદ ન  થઈ ગયો હોય! હા, છેલ્લા ઘણાં દાયકાથી આ શહેરની સમયસૂચકતા દર્શાવતું ટાવર ઘડિયાળ જાણે કે મૃત્અવસ્થામાં જોવામાં આવે છે. એ ટાવરનાં ઘડિયાળનો ઘંટનાદ કે જે શહેરની શાન હતી આજે અહલ્યાની  માફક શ્રી રામની તલાશમાં ઝૂરતાં ઝૂરતાં હોવાનું નજરે પડે છે.
આમ તો શહેર સુધરાઈ ખૂબ જ મોટા મોટા અવાજે વિકાસ અને સમાજ કલ્યાણની વાતો કરતી જોવા મળે છે. શું તંત્રની આંખે આ ટાવરની  જીર્ણશીર્ણ સ્થિતિ નહીં દેખાતી હોય? કે પછી? સરકારશ્રીને ધ્યાને આ બાબત વ્હેલી તકે ધ્યાને આવે તો શહેરનાં બંધ પડેલાં આ ટાવર ઘડિયાળનો પુનર્જન્મ થઈ શકે. તો શહેરને વ્હેલીમાં વ્હેલી તકે આ ટાવર ઘડિયાળની સુવિધા પુનઃ પ્રાપ્ત થાય તેવી શહેરીજનોની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *