મૈસુર
કર્ણાટકના પશુપાલન પ્રધાન ટી. વેંકટેશે શનિવારે એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે જાે ભેંસ અને બળદની કતલ થઈ શકે છે તો ગાયની કતલ કેમ ન થઈ શકે. મૈસુરમાં પત્રકારો સાથે વાત કરતા વેંકટેશે કહ્યું કે પરામર્શ બાદ કર્ણાટક એનિમલ સ્લોટર પ્રિવેન્શન એન્ડ એનિમલ પ્રોટેક્શન એક્ટને પાછો ખેંચવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. વેંકટેશે કહ્યું કે, ખેડૂતોને મદદ કરવા માટે ર્નિણય લેવામાં આવશે. આ બાબતે એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, તેઓ તેમના ઘરે ત્રણથી ચાર ગાયોની સંભાળ રાખે છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં જ્યારે એક ગાયનું મૃત્યુ થયું હતું, ત્યારે અમારે તેના અંતિમ સંસ્કાર કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મૃતદેહ લેવા માટે ૨૫ લોકો આવ્યા હતા પરંતુ તે શક્ય બન્યું ન હતું. બાદમાં જેસીબી લાવી મૃતદેહને ઉપાડવામાં આવ્યો હતો.વેંકટેશે એ પણ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળની અછત છે. આ દરમિયાન હિંદુ કાર્યકર્તાઓએ મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની નિંદા કરી છે અને જાે રાજ્ય સરકાર ગૌહત્યા પરનો કાયદો પાછો ખેંચી લેશે તો પરિણામની ચેતવણી આપી છે. અગાઉની ભાજપ સરકારે ગૌહત્યા પર પ્રતિબંધ અને અપરાધીઓને કડક સજાની જાેગવાઈ કરતું બિલ પસાર કર્યું હતું.કર્ણાટક ગૌહત્યા નિવારણ અને સંરક્ષણ કાયદો ૨૦૨૧માં તત્કાલીન ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો સ્પષ્ટપણે પશુઓની કતલ પર પ્રતિબંધ મૂકે છે. બીમાર અને ૧૩ વર્ષથી વધુ ઉંમરની ભેંસોની કતલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તે દરમિયાન રાજ્યમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસે ભાજપ સરકારના આ પગલાનો જાેરદાર વિરોધ કર્યો હતો.
