ત્રણ દિવસ બાદ ફરીવાર દ્વારકા પાણીમાં ડૂબ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે કહી શકાય એવો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો છે. કલ્યાણપુરમાં ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે દ્વારકાના રોડ પર કેડ સમાં પાણી ભરાયાં છે. વરસાદને પગલે પાણીમાં ફસાયેલા 3 લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ દ્વારકા પ્રાંત અધિકારી, કલ્યાણપુર મામલતદાર, નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર PSIએ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોનાં રેસ્ક્યૂ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી.
ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા 8 નાગરિકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જેમાં કેશવપુરા ગામે 4 અને ટંકારિયા ગામે 4 વ્યક્તિને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી બચાવી લીધા છે.
જ્યારે પાનેલી ગામે ભારે વરસાદના પગલે ત્રણ ખેડૂત ગામમાંથી વાડીએ પરત ફરતા હતા ત્યારે નદીના પાણીમાં ફસાયા હતા. આ અંગેની માહિતી મળતાં જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઇ આ ત્રણેય ખેડૂત દેવરખીભાઈ, નેભાભાઈ અને કેસૂરભાઈનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દ્વારકા પ્રાંત અધિકારી હિતેશ ભગોરા, કલ્યાણપુર મામલતદાર રામભાઇ સુવા, નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર PSIએ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોનાં રેસ્ક્યૂ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી.