Gujarat

આધેડની કોથળામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો

વડોદરા જિલ્લાના કરજણ પાસે કુરાલીથી કોઠાવ જતી કેનાલ રોડ પર થયેલી આધેડના હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. આરોપીએ વ્યાજે લીધેલા 3.5 લાખ રૂપિયા વ્યાજ સાથે પરત કર્યા બાદ પણ કનકસિંહે વધુ રકમની માંગણી કરીને માનસિક આપ્યો હતો, જેથી કંટાળીને આરોપીએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આરોપી રતિલાલ વસાવાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે

ગત તા. 23/04/2026ના રોજ બપોરના સમયે કેનાલ રોડની નીચે ઝાંડી-ઝાંખરામાં એક અજાણ્યા આધેડની લાશ પ્લાસ્ટિકના કોથળામાં ભરેલી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરી પુરાવા નષ્ટ કરવા લાશ છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન હાથ ધરાયું હતું. નાયબ પોલીસ અધિક્ષક પી.એન. પટેલની આગેવાનીમાં એલ.સી.બી., એસ.ઓ.જી. અને કરજણ પોલીસની સંયુક્ત ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

LCB પીઆઇ પી.જે.ખરસાણ, ગ્રામ્ય SOG પીઆઇ પી.કે.સોઢા, અને કરજણ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.પટેલ તપાસમાં જોડાયા હતા. પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ કનકસિંહ માનસિંહ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. જે વ્યાજે નાણા આપવાનો ધંધો કરતા હતા. પોલીસે નાણાકીય લેવડદેવડ તથા અંગત અદાવતના દિશામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકની બાઈક ધાવટ ગામ નજીક મળી આવી હતી.